સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સૌપ્રથમ વખત કરાટે સ્પર્ધા યોજાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિ.ના નેશનલ કક્ષાના મેદાનમાં પંચશીલ કોલેજ આયોજિત ભાઈઓની હોકી સ્પર્ધા યોજાશે
કરાટે એ મૂળ ભારતીય કળા છે. સ્વરક્ષણ માટે આ ઉત્તમ કળાનેપુન:જીવંત બનાવવા માટે આ પ્રયાસ કરાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા અને એ.એમ.પી સરકારી લો કોલેજના યજમાન પદે તાજેતરમાં આંતર કાલેજ ભાઈઓ-બહેનોની કરાટે સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં જુદી જુદી કોલેજના 50થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા જીતવા ખેલાડીઓ વચ્ચે રસાકસી જામી હતી.
ટુર્નામેન્ટના અઘ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.ગીરીશભાઈ ભીમાણી તેમજ અતિથિ વિશેષ તરીકે સીન્ડીકેટ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડી સફળતાના શિખરો શર કરવા અભિનંદન પાઠવ્યા હતા.
મળતી માહિતી મુજબ ભાઈઓ બહેનોની આજે ચેસ સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ 50થી વધુ ખેલાડીઓ વચ્ચે જંગ જામ્યો હતો અને સ્પર્ધકોએ દાવ-પેચ ખેલ્યા હતા અને તમામ મેચ રોમાંચક રહી હતી. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની આંતર કોલેજ સ્પર્ધામાં સૌપ્રથમ વખત ભાઈઓ-બહેનોની કરાટે સ્પર્ધા યોજવામાં આવી હતી. કાલે પંચશીલ કોલેજ આયોજિત ભાઈઓની હોકી સ્પર્ધા યોજાશે. જેમાં 20થી વધુ કોલેજ ભાગ લેવા જઈ રહી છે.