- વૃધ્ધાશ્રમના વૃધ્ધો અને અનાથ આશ્રમના બાળકોએ કર્યું અટલ સરોવરનું ઉદ્ઘાટન
- ટોયટ્રેઇન, બોટ રાઇડ્સ, ફેરીસ વ્હીલ અને લેસર અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનો રૂ.80 નિયત કરાયો: ટુ વ્હીલરનો પાર્કિંગ ચાર્જ રૂ.10 અને ફોર વ્હીલર પાર્ક કરવાના રૂ.20 ચુકવવા પડશે
કોર્પોરેશન દ્વારા શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં રૂ.136 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા અટલ સરોવરને ગઇકાલે શહેરીજનો માટે વિધિવત રીતે ખુલ્લુ મુકી દેવામાં આવ્યું છે. રાજકોટની શાનસમા એવા અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા હતા. હાલ માત્ર લેસર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ટોયટ્રેન, બોટ રાઇડ અને ફેરીસ વ્હીલ શરૂ કરવામાં આવશે.
ગુજરાત સ્થાપના દિનના અવસરે અટલ સરોવર શહેરીજનો માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યું છે. જેમાં આગામી ત્રણ વર્ષ માટે બાળકોની એન્ટ્રી ટિકિટ રૂ.10 અને એડલ્ટની એન્ટ્રી ટિકિટ રૂ.25 નિયત કરવામાં આવ્યું છે. કોર્પોરેશનની સ્કૂલ તથા આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે અને ઓછામાં ઓછી ત્રણ રાઇડ્સ માટે એજન્સી દ્વારા ક્ધસેશન આપવાનું અથવા મફ્તમાં રાખવાનો કરાર કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષ બાદ અટલ સરોવરમાં એન્ટ્રી ટિકિટ દરમાં વધારો કરવામાં આવશે. જેમાં બાળકો માટેની એન્ટ્રી ટિકિટ રૂ.20 અને એડલ્ટ માટેની ટિકિટ રૂ.40 રહેશે. અટલ સરોવરમાં ટોયટ્રેન, બોટ રાઇડ્સ અને ફેરીસ વ્હીલનો ચાર્જ રૂ.80 પ્રતિ રાઇડ્સ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે લેસર-શો, લાઇટ એન્ડ સાઉન્ડ શોનો ચાર્જ પ્રતિ વ્યક્તિ રૂ.80 નિયત કરવામાં આવ્યો છે.
જ્યારે એમ્ફી થિયેટરનો ચાર્જ પ્રતિ ઇવેન્ટ રૂ.25,000 અને પાર્ટી પ્લોટનો ચાર્જ પ્રતિ ઇવેન્ટનો ચાર્જ રૂ.1 લાખ રાખવામાં આવ્યો છે. જેમાં પાંચ વર્ષ બાદ કોન્ટ્રાક્ટર દર વર્ષે પાંચ ટકાના દરે વધારો કરી શકશે તેવી ટેન્ડરમાં શરત પણ રાખવામાં આવી છે.
અટલ સરોવરમાં ટુ-વ્હીલર પાર્કિંગ કરવાનો ચાર્જ રૂ.10 અને ફોર વ્હીલર પાર્કિંગનો ચાર્જ રૂ.20 નક્કી કરાયો છે. રેવન્યૂ શેરીંગ મોડમાં ડેવલપમેન્ટ પ્રિમિયમ મુજબ એજન્સી પ્રથમ પાંચ વર્ષ માટે દર વર્ષે રૂ.51 લાખ રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટને ચૂકવશે. જ્યારે બીજા પાંચ વર્ષ માટે આ રકમ રૂ.70 લાખ ચૂકવવી પડશે અને ત્રીજા તથા અંતિમ પાંચ વર્ષ માટે રૂ.80 લાખ ચુકવવામાં આવશે. એકસાથે 600થી વધુ મોટરકાર અને 1000થી વધુ ટુ-વ્હીલર પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અટલ સરોવર સવારે 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી સહેલાણીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે.
દરેક સપ્તાહમાં અહીં આવતા લોકો ને મળશે અનેક નવી પ્રવૃત્તિઓનો લાભ : બિંદિયા શાહ
અટલ સરોવર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર એટલે બનશે કારણકે દર સપ્તાહ માં અહીં આવતા લોકો માટે અનેક નવી સુવિધા અને કંઈક નવું આકર્ષક ઊભું કરવામાં આવશે જેથી લોકો માટે અટલ સરોવર એક રમણીય સ્થળ બની રહે. 25 એકર ના વિસ્તારમાં જે તળાવ બનાવવામાં આવ્યું છે તે કોઈ જગ્યાએ નથી. એમાં પણ જ્યારે બોર્ડર રાઈડ અને લેસર શો જોવા મળે તે લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તલ સરોવર ખાતે જે ફેરિસ વિલ ઊભું કરવામાં આવ્યું છે તે ભારતનું બીજું મોટું છે. જેમાં રાઇડ કરવાથી આખા રાજકોટ નો લાહવો લઈ શકાશે. સાયકલ ચલાવનાર લોકો માટે પણ એક બે કિલોમીટરનો સાયકલ ટ્રેક ઊભો કરવામાં આવ્યો છે જ્યાં તેઓ મુક્ત મને સાયકલ ચલાવી શકશે એટલું જ નહીં જોગર પાર્ક પણ એ રીતે જ ઉભો કરવામાં આવ્યો છે કે જેનો લાભ રાહદારીઓ સારી રીતે લઈ શકે. મા તેઓએ જણાવ્યું હતું કે અટલ સરોવર બનતા હવે લોકો સિંગાપોર મલેશિયા નહીં પરંતુ અહીં આવવાનું વધુ પસંદ કરશે કારણ કે દર સપ્તાહમાં અનેકવિધ નવી પ્રવૃત્તિઓ પણ લોકો માટે મૂકવામાં આવશે જે ખરા અર્થમાં એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.