પ્રતિ કાર્ડની માહિતી ૭૦૦૦ રૂપિયામાં વેચાઈ રહી હોવાનો ખુલાસો કરતી ‘ગ્રુપ આઈ.બી. કંપની’
ભારત દેશમાં સાયબર સિકયોરીટીનો મુદ્દો અત્યંત મહત્વપૂર્ણ બની રહ્યો છે ત્યારે જે રીતે હેકરો તવાઈ બોલાવી રહ્યા છે તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, દેશમાં સાયબર સિકયોરીટીની જરૂરીયાત અત્યંત વધી ગઈ છે. લોકો તેની સાયબર સિકયોરીટી જાળવી રાખે તે દિશામાં અનેકવિધ પગલા સરકાર તથા ઉપયોગકર્તાઓ દ્વારા લેવામાં આવશે જે રીતે હેકરો લોકોનાં ડેટા હેક કરી રહ્યા છે ત્યારે લોકોનાં મહત્વપૂર્ણ ડેટાઓ જેવા કે બેંક, ખાનગી દસ્તાવેજોની વિગતો વાયરલ થતા લોકોમાં ચિંતાની લાગણી સ્થપાઈ છે ત્યારે હેકરો દ્વારા દેશનાં ૧૦ લાખથી વધુ લોકોનાં ડેબીટ કાર્ડ તથા ક્રેડીટ કાર્ડને ઓકશનમાં મુકયા છે જેમાં પ્રતિ કાર્ડનો ભાવ આશરે ડોલર ૧૦૦ રૂપિયા રાખવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ ૧૩ લાખ લોકોનાં ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ ડાર્કનેટ માર્કેટ પ્લેસ ખાતે વેચાણમાં મુકવામાં આવ્યા છે. કાર્ડ પર રહેલી મેગ્નેટીક સ્ટ્રીપનાં આધારે ડેટાને ડમ્પ કરી દેવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે. આ તમામ અંગેની વિગતો ગ્રુપ આઈ.બી.કંપની દ્વારા બહાર પાડવામાં આવી છે કારણકે ગ્રુપ આઈ.બી.કંપની સાયબર એટેક અને તે અંગેનાં ડિટેકશન માટે કામગીરી કરતી હોય છે. તેઓએ જણાવ્યું હતું કે, કુલ ૧૩ લાખ ડેબિટ અને ક્રેડિટ કાર્ડમાંથી ૯૮ ટકા જેટલા ભારતીયોના હોવાનું સામે આવી રહ્યું છે. હેકરો દ્વારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડનાં ડેટા ટ્રેક-૧ અને ટ્રેક-૨ એમ ઓનલાઈન ટ્રાન્ઝેકશન મારફતે મુકવામાં આવ્યા છે.
આ અંગે ગ્રુપ આઈ.બી. કંપનીએ બેંકોને તાકીદ કરતા જણાવ્યું હતું કે, આ અંગેની માહિતી કાર્ડધારકોને આપવામાં આવે કે તેઓનો ડેટાબેઝ વેચાણમાં મુકવામાં આવ્યો છે. ડેટા સિકયોરીટી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનાં અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત દેશમાં ડેટા અંગેનાં કોઈપણ નીતિ-નિયમો બનાવવામાં આવ્યા નથી જયારે યુરોપ તથા નોર્થ અમેરિકામાં બેંક તથા પેમેન્ટ કરનાર લોકો કાયદાથી બંધાયેલા છે. જો આ પ્રકારનાં નીતિ-નિયમો ભારત દેશમાં લાગુ થાય તો ઘણા ખરા અંશે જે સાયબર સિકયોરીટીની સમસ્યા ઉદભવિત થઈ રહી છે તે નહીં થાય. આ તકે ગ્રુપ આઈ.બી.કંપનીએ લોકો તથા બેંકોનાં નામની યાદી બહાર પાડી નથી પરંતુ એટલી વિગત આપી છે કે ૧૮ ટકાથી વધુ કાર્ડ સિંગલ ઈન્ડિયન બેંકનાં હોવાનું ખુલ્યું છે. તેઓએ વધુ ખુલાસા આપતા જણાવ્યું હતું કે, બેંકનાં ડાયવસીફીકેશન તથા ડેટા ડમ્પ થતા કાર્ડની વિગતો હેક થઈ નથી પરંતુ સિકયોરીટી ફેલિયરનાં કારણે ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ હેક થયા છે. ગત ૨૦૧૬નાં સપ્ટેમ્બર માસમાં ૩.૨ બિલીયન ડેબિટ કાર્ડ હેક થયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ તથા અન્ય બેંકોનો પણ સમાવેશ થયો હતો. બે વર્ષ અગાઉ આરબીઆઈએ સુચવતા જણાવ્યું હતું કે, બેંકે મેગ્નેટીક સ્ટ્રીપનાં બદલે ઈ.એમ.વી. ચીપ કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ ત્યારે બેંકો હજુ સુધી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં નીતિ-નિયમોનું પાલન કરી શકયા નથી. આ તકે કંપની દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, સાયબર એટેક થવાનું મુખ્ય કારણ સાયબર સિકયોરીટીનો અભાવ છે જેથી દેશમાં જો સાયબર સિકયોરીટી અમલી બનાવાશે તો સાયબર એટેકનું પ્રમાણ ઓછું થશે.
ડિજિટલ ઈન્ડિયા તરફ આગળ વધતી રિલાયન્સ જીયો પર સંકટનાં વાદળો છવાયા છે કારણકે, હેકરો જીયો વપરાશકર્તાઓનાં ફોન હેક કરવાની પેરવીમાં હોવાનું સામે આવ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું છે કે, જીયોનાં વપરાશકર્તાઓને કેવી રીતે સુરક્ષા પુરી પાડવામાં આવશે જેથી તેમના પર કોઈપણ પ્રકારનાં સંકટનાં વાદળો ન સર્જાય. હાલ જે રીતે હેકરો દ્વારા વાયરસ મુકવામાં આવ્યું છે તે ગુગલ પ્લે સ્ટોરમાં કોઈપણ જગ્યા પર દેખાતું નથી અને આપોઆપ મોબાઈલ ફોનમાં ઈનસ્ટોલ થઈ હાઈડ થઈ જતું હોય છે જેથી કંપની માટે માથાનો દુ:ખાવો એ છે કે, ફોનને હેક થતો કેવી રીતે બચાવી શકાય.