બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા સ્થળો ઉપર કામગીરી કરશે

અબતક, ઋષી મહેતા, મોરબી

મોરબી જિલ્લામાં આગામી તા. 27 ફેબ્રુઆરીના રોજ 5 વર્ષ સુધીના કુલ 1,32,410 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જે માટે જિલ્લામાં કુલ 616 પોલીયો બુથોની રચના કરાઈ છે અને 2246 કર્મચારીઓને પોલીયો બુથો ઉપર ફરજ સોંપવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે આ ઉપરાંત 190 સુપરવાઈઝરોને મોનીટરીંગની કામગીરી સોપેલ છે. તા. 27 ફેબ્રુઆરી 2022 ના રોજ પોલીયો બુથ ઉપર પોલીયોનું રસીકરણ કરવામાં આવશે અને બુથ ઉપર રસીકરણ કરવામાં બાકી રહી ગયેલ બાળકોને ઘર ઘર મુલાકાત કરીને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. આ માટે મોરબી જિલ્લાના કુલ 213331 ઘરોની મુલાકાત માટે 1122 ટીમોની રચના કરવામાં આવેલ છે .

આ ઉપરાંત ખેતર, વાડી વિસ્તાર, કારખાના વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, રોડની આજુબાજુ નો વિસ્તાર, અગર વિસ્તાર, બાંધકામ વિસ્તાર, ખાણના વિસ્તાર કે અન્ય વગેરે જેવી દુર્ગમ જગ્યાઓ ઉપર વસતા મજુરના બાળકોના પોલીયો રસીકરણ માટે 510 મોબાઈલ ટીમોની રચના કરેલ છે. તેમજ આ પોલીયો કાર્યક્રમ દરમ્યાન મુસાફરી કરતા લોકોના બાળકોને પોલીયોની રસી આપવા માટે 24 ટ્રાન્ઝીસ્ટ ટીમોની રચના કરેલ છે .  આ ટીમો બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા સ્થળો ઉપર કામગીરી કરશે. મોરબી જિલ્લાના 0 થી 5 વર્ષના તમામ બાળકો 27 ફેબ્રુઆરી 2022 ના રોજ પોલીયો બુથ ઉપર જઈ રસીકરણ કરાવે તેમજ આજુબાજુના વિસ્તારમાં વસતા મજુરોના બાળકો પણ પોલીયોની રસી પિવડાવે અને પોલીયો સામે રક્ષણ મેળવે તે માટે બાળકોનાં વાલીઓ દ્વારા સાથ સહકાર આપવા માટે મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા તેમજ જિલ્લાનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરા તથા જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો.વિપુલ કારોલીયા દ્વારા વાલીઓને અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.