ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે રાજકોટમાં ત્રણ મેચની સિરીઝની અંતિમ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રને હરાવ્યું હતું. જો કે શરૂઆતની બે મેચ જીતીને ભારતીય ટીમે 2-1થી સિરીઝ પોતાના નામે કરી હતી. રોહિત શર્માએ ત્રીજી વનડેમાં 57 બોલ પર 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ગઈકાલે રમાયેલી મેચમાં 6 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ રોહિત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 550 કે તેથી વધુ છગ્ગા ફટકારનાર દુનિયાનો બીજો બેટ્સમેન બની ગયો છે. આ લિસ્ટમાં યુનિવર્સલ બોસ ક્રિસ ગેલ પહેલા નંબરે છે. ગેલે અત્યાર સુધી 553 છગ્ગા ફટકાર્યા છે. રોહિત સિવાય વિરાટે પણ ગઈકાલે એક મોટું કીર્તિમાન સ્થાપિત કર્યું હતું. કોહલીએ ત્રીજી વનડેમાં 56 રન બનાવ્યા હતા. આમ તે વનડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 50 કે તેથી વધુ રન બનાવનાર ત્રીજો પ્લેયર બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો હતો.
ભારતનો 66 રને પરાજય : રોહિત-વિરાટ વચ્ચેની ભાગીદારી બાદ કોઈ બેટ્સમેન લાંબુ ન રમી શક્યા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી વનડેમાં 5 એવા રેકોર્ડ બન્યા હતા જે સૌ કોઈ જાણવા માંગશે. બીજી તરફ ટોસ જીતી ઓસ્ટ્રેલિયા ટીમે પ્રથમ બેટિંગ કરતા 352 રન નોંધાવ્યા હતા. જેમાં વોર્નર 56 રન, મિચેલ માર્શ 96 રન, સ્ટીવ સ્મિથ 74 રન, લબુસેન 72 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારે ભારત તરફથી બુમરાએ 3 વિકેટ, કુલદીપ યાદવે 2 વિકેટ તથા સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 1-1 વિકેટ ઝડપી હતી. 353 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતની ટીમ 286 રનમાં ઓલઆઉટ થયું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી મેક્સવેલ 4 વિકેટ, હેઝલવુડ 2 વિકેટ તથા અન્ય તમામ બોલરોએ એક-એક વિકેટ ઝડપી હતી.
ગ્લેન મેક્સવેલનું ફોર્મમાં પરત આવવુંએ ઓસ્ટ્રેલિયા માટે ખૂબ મહત્વનું : મિચેલ માર્શ
ઓસ્ટ્રેલિયાના મિચેલ માર્શે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મેક્સવેલનું ફોર્મમાં પરત આવું એ ઓસ્ટ્રેલિયા માટે ખૂબ જરૂરી હતું અને જેવી રીતે તેને બોલીંગ કરી અને ચાર મહત્વપૂર્ણ વિકેટો ઝડપી તેનાથી ઓસ્ટ્રેલિયા ટીમનું મનોબળ વધુ મજબૂત બન્યું છે. વિશ્વકપ માટે માર્ષે જણાવ્યું હતું કે, ભારતની દરેક વિકેટ અત્યંત પડકારરૂપ હોય છે અને હાલ જે સ્થિતિમાં ભારતીય ટીમ જોવા મળી રહી છે તે અન્ય ટીમો માટે ચિંતા નો વિષય બનશે કારણ કે ભારતનું ટોપ ઓર્ડર, મિડલ ઓર્ડર અને બોલિંગ લાઈન હાલ ફોર્મમાં છે અને તે ગેમ ગમે ત્યારે પલટાવી દે છે.
વિશ્વકપ પૂર્વે વાયરલનો ભોગ બનેલા ખેલાડીઓ ઝડપથી બહાર આવે એ જ જરૂરી
વિશ્વ કપ પૂર્વે અને ઓસ્ટ્રેલિયા સામેના ત્રીજા અને અંતિમ વન-ડેમાં ભારતના ચાર જેટલા ખેલાડીઓ વાઇરલ બીમારીનો સામનો કરી રહ્યા છે. આમ સ્વરૂપે રાજકોટ ખાતેના મેચમાં અન્ય ખેલાડીઓને સ્થાન મળ્યું હતું ત્યારે મેચ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે વિશ્વ કપ પૂર્વે વાયરલ નો ભોગ બનેલા ખેલાડીઓ ઝડપથી બહાર આવે એ જ જરૂરી છે. બીજી તરફ વિશ્વ કપ માં ક્યાં ખેલાડીઓને રમાડવા તે માટે ઓસ્ટ્રેલિયા સીરિઝ ટ્રાયલ એન્ડ ટેસ્ટીંગ માટે હતી. સીસીઆઇ સિલેકટર કમિટી હવે 15 સભ્યોના જે નામ આપશે એ જોવાનું રહ્યું. હજી તરફ 10 થી વધુ મેદાનો પર વિશ્વકપ રમાવાનો છે અને દરેક મેદાનની એક અલગ ખાસિયત અને કન્ડિશન છે જે દરેક ટીમ માટે પડકારરૂપ સાબિત થશે.