જાન્યુઆરીમાં બીજી વાર અને શિયાળાની સિઝનમાં 5મી વાર માવઠાનું સંકટ તોળાયું
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો ઉંચકાયો છે અને ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. હવામાન વિભાગ મુજબ, ઉત્તર ગુજરાતમાં આગામી 72 કલાક સુધી ઠંડીની આ સ્થિતિ હજુ યથાવત રહી શકે છે. બીજી બાજુ તા.21 જાન્યુઆરીએ ઉત્તર-પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ રચાય તેવી પ્રબળ શક્યતા છે. જેના કારણે 21મીથી ઉત્તર ગુજરાત વાદળછાયું બનશે અને 22મીથી વધુ એક વખત કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે.
છેલ્લા એક મહિનાથી રાજ્યમાં માવઠાને લીધે ખેડૂતોની ચિંતાઓમાં વધારો થયો છે. હવે ફરીવાર હવામાન વિભાગ દ્વારા 21 અને 22 જાન્યુઆરીએ હળવા વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, રાજ્યમાં 18 જાન્યુઆરીથી તાપમાનમાં 3 ડીગ્રી સુધીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરેલું છે.એ ઉપરાંત 22 જાન્યુઆરી સુધી રાજ્યમાં મોટા ભાગનાં શહેરોમાં વાતાવરણ વાદળછાયું રહેવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.ઉલ્લેખનિય છે કે, આ સાથે ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરીમાં બીજી વાર અને શિયાળુ સિઝનમાં 5મી વાર માવઠાનું સંકટ તોળાયું છે.