આઈએમએ-મહાપાલિકા તંત્રનો નિર્ણય
જામનગર શહેરમાં કોરોનાનો આંક દર્દીઓનો વધતો જાય છે. જી.જી.કોવિડ સરકારી હોસ્પિટલ પણ હવે દર્દીઓથી છલકાઇ ગઇ છે ત્યારે દર્દીઓને સારવારમાં મુશ્કેલી ન પડે તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આયુર્વેદિક હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર અને કામદાર વીમા હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં કોવિડ કેર સેન્ટરો શરૂ કરવાની કવાયત હાથ ધરાઇ હોવાનું મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.ઋજુતા જોષીએ જણાવ્યું હતું.
ઇન્ડિયા મેડીકલ એસોશિએશન દ્વારા પણ શહેરમાં ખાનગી કોવિડ સેન્ટરને પુન:કાર્યરત કરવા માટેની પ્રક્રિયા વેગવંતી કરી દેવામાં આવી છે. આ માટે થઇને ઇન્ડિયના મેડીકલ એસોશિએશન પ્રમુખ વિજય પોપટ, ડો.પ્રશાંત તન્ના દ્વારા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.ઋજુતા જોષી સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં જોલીબંગલા પાસે ક્રિટીકલ કેર હોસ્પિટલ, ખંભાળિયા હાઇવે રોડ ઉપર સ્વામિનારાયણ ગુરૂકુળ હોસ્પિટલ (80 બેડ), તેમજ સમર્પણ હોસ્પિટલ (90 બેડ), તેમજ ગોકુલ હોસ્પિટલ (27 બેડ), તેમજ અન્ય બે ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા અંગે પણ કાર્યવાહી હાથ ધરાઇ છે.
હાલમાં સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે કોવિડ હોસ્પિટલ તાત્કાલિક અસરથી 80 બેડની કાર્યરત કરાઇ છે. આ ઉપરાંત શ્રધ્ધાં હોસ્પિટલ (50 બેડ)ની તેમજ સર્પણ હોસ્પિટલમાં 90 બેડમાંથી 40 બેડ ઓકિસજન સુવિધા સાથે કાર્યરત કરાયા છે. આમ જામનગરમાં કોરોનાની મહામારી સામે કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે આઇએમએ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં પણ સરકારના નિયમ મુજબ મંજૂરી સામે કાર્યરત કરવામાં આવે તે માટે કાર્યવાહી હાથ ધરાઇ છે. આમ સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ 250થી વધુ બેડની સુવિધાઓ પ્રાપ્ત થશે.