ગોવીદાનંદજીની તબિયત અચાનક લથડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
જુનાગઢ છેલ્લા બે દિવસથી ગોપાલાનંદજીબાપુની વિદાયના શોકમાંથી બહાર ન હતું આવ્યું ત્યાં જ અગ્નિ અખાડાના અન્ય એક સંત ગોવિંદાનંદજીની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડવા પડયા હતા. સોશિયલ મીડિયામાં તેમના મૃત્યુના સમાચાર ફરતા થતા ઉપસ્થિત ભકતજનો અને સાધુ સમાજે જબરો આંચકો અનુભવ્યો હતો જોકે તેમનું મૃત્યુ થયાના સમાચાર ફકત અફવા હોવાનું કલાકોમાં જ ફલિત થયું હતું.
આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢ ગોપાલાનંદજીબાપુની પાલખીયાત્રા તેમજ અંત્યેષ્ઠિ કર્મમાં ઉપસ્થિત રહેવા મુંબઈના સંત અને અગ્નિ અખાડાના સેક્રેટરી તેમજ અગ્નિ અખાડાના ગોપાલાનંદજીબાપુ જેવા જ વરીષ્ઠ સંત અને આધારસ્તંભ ગણી શકાય તેવા સંત ૯૬ વર્ષીય ગોવિંદાનંદજીની તબિયત પાલખીયાત્રા દરમિયાન લથડી હતી. તેમને તાત્કાલિક જુનાગઢના ખાનગી દવાખાનામાં સારવાર માટે ખસેડવા પડયા હતા જયાં તેમના મૃત્યુના સમાચાર કોઈ ટીખળખોરોએ સોશિયલ મીડિયા પર વાયરલ કરતા ઉપસ્થિત સંતો-મહંતો અને ભકતજનોએ એક તબકકે જબરો આંચકો અનુભવ્યો હતો. અગ્નિ અખાડાના આ સંતે ગોપાલાનંદજીબાપુ સાથે અખાડાનું ઘણુ વહિવટી કામ કર્યું હતું અને ગોપાલાનંદજીબાપુની જેમ જ તેઓ અખાડાના વયોવૃદ્ધ વડીલ સંત તરીકે છે. રાત સુધી તેમની સાથેનાઓમાંથી બાપુની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.