ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવતો જવાન ભેજાબાજ ટોળકીના કારસાનો શિકાર બન્યો : જાણ બહાર ખાતામાંથી પૈસા ઉપડી ગયા
મોરબીમાં એટીએમકાર્ડની ચીપના આધારે થતા ફ્રોડનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવતા જવાનની જાણ બહાર જ તેના બેંક ખાતામાંથી રૂ. ૬.૭૫ લાખ ઉપડી ગયા છે. હાલ આ મામલે ભોગ બનનાર જવાને એ ડિવિઝન પોલીસમાં અરજી આપી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ નિભાવતા હરેશભાઇ એટીએમ કાર્ડની ચીપની કોપીના આધારે થતા ફ્રોડનો શિકાર બન્યા છે. તેઓના એસબીઆઈ બેંકના ખાતામાંથી જાણ બહાર કોઈએ એટીએમ મારફતે રૂ.૬.૭૫ લાખ ઉપાડી લીધા છે. બનાવ સંદર્ભે ભોગ બનેલા ટ્રાફિક બ્રાન્ચના જવાને એ ડિવિઝન પોલીસ મથકે અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ પ્રકારના અનેક ફ્રોડ સામે આવ્યા છે.
આ અંગે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું કે એટીએમ કાર્ડની ચીપના આધારે થતા ફ્રોડનો ભોગ બનેલા ટ્રાફિક બ્રાન્ચના જવાનની અરજી મળી છે. તેઓના બેંકના ખાતામાંથી જાણ બહાર ૨૦ દિવસ પૂર્વે પૈસા ઉપડ્યા હતા. પ્રાથમિક તપાસમાં ભેજાબાજોએ મેં અને જૂન માસમાં એટીએમ કાર્ડની ચિપની કોપી મેળવી હશે. અને બાદમાં જુલાઈ માસમાં પૈસાની ઉઠાંતરી કરી છે.