હવે જ્ઞાતિવાઈઝ વેક્સિનેશન કેમ્પ યોજાશે: સાંજે વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ અને એનજીઓના હોદ્દેદારો સાથે મેયરની મીટીંગ યોજાશે
વેક્સિનેશન ઝુંબેશ વધુ વેગવંતિ બનાવવા માટે સરકાર દ્વારા સૌરાષ્ટ્રને વધુ 1,20,000 કોરોના વેક્સિનના ડોઝની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાને 20,000 ડોઝ આપવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા આગામી મંગળવારથી શાકભાજીના ફેરીયા તથા હોકર્સ ઝોનમાં સુપર સ્પ્રેડરોનું ટેસ્ટીંગ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા કરવામાં આવી છે.
આજે રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રને કોરોના વેક્સિનના 1.20 લાખ ડોઝની ફાળવણી કરવામાં આવી છે જે હાલ રીઝ્યોનલ વેક્સિનેશન સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે. મહાપાલિકાને 20,000 ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ સાથે અલગ અલગ તબકકામાં કોર્પોરેશનને કોરોના વેક્સિનના 1.20 લાખની ડોઝની ફાળવણી કરવામાં આવી છે. હાલ શહેરમાં વેક્સિનેશન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે.
દરમિયાન મેયર પ્રદિપભાઈ ડવે જણાવ્યું હતું કે, વેક્સિનેશન અભિયાનને વધુ વેગવંતુ બનાવવા આગામી દિવસોમાં શહેરમાં અલગ અલગ જ્ઞાતિઓના કેમ્પ યોજવામાં આવશે. આ માટે આજે બપોરે વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓ અને એનજીઓના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓએ ઉમેર્યું હતું કે, કોરોનાનું સંક્રમણ રોકવા હવે આગામી મંગળવારથી સુપર સ્પ્રેડરોનો કોરોના ટેસ્ટીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાપાલિકાના તમામ હોકર્સ ઝોનમાં બેસતા ફેરીયા અને શાકભાજીના ફેરીયાનું ટેસ્ટીંગ કરવામાં આવશે. ત્યારબાદ જરૂર જણાશે તો ફૂડ ડિલીવરી બોય અને હોટલ રેસ્ટોરન્ટના વેઈટરના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.