- ખાનગી ટેક્સીમાં એરપોર્ટથી શહેરમાં આવતા હોવાની બાતમીના આધારે માધાપર ચોકડીથી ઝડપી લેવાયા
Rajkot News : રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ચકચાર મચાવનાર સટ્ટાકાંડમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ બે બુકીઓની ધરપકડ કરી છે. ગત 23મી જાન્યુઆરીના રોજ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિવિધ ત્રણ સ્થળો પર દરોડા પાડીને ત્રણ જેટલા બુકીઓની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ત્રણ મુખ્ય બુકી અને 28 જેટલા પેટા બુકી અને પંટરોના નામ ખોલ્યા હતા. મામલામાં ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરીને વધુ બે મુખ્ય બુકીઓની ધરપકડ માધાપર ચોકડી ખાતેથી કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત 23મી જાન્યુઆરીના રોજ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમોએ કુલ અલગ અલગ ત્રણ સ્થળો પર દરોડા પાડીને ત્રણ જેટલા બુકીઓની ધરપકડ કરી હતી. જે બુકીઓની પૂછપરછમાં અન્ય ત્રણ મુખ્ય બુકીઓ તેમજ 28 જેટલા પેટા બુકીઓના નામ સામે આવ્યા હતા.
મામલામાં મુખ્ય ત્રણ બુકી વિદેશ ભાગી ગયા હોય તેવી શંકાના આધારે પોલીસે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવા સહિતની કાર્યવાહી આરંભી હતી. દરમિયાન નીરવ પોપટ અને અમિત પોપટ ઉર્ફે મોટું ખમણ એરપોર્ટથી શહેરમાં ઘૂસતા હોય તેવી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને શહેરના માધાપર ચોકડી ખાતેથી નીરવ પોપટ અને મોટું ખમણની ધરપકડ કરી લીધી છે. બંને બુકી બંધુઓ ખાનગી ટેક્સીમાં શહેરમાં ઘુસવાની ફિરાકમાં હતા દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બંને બુકીઓની ધરપકડ કરીને મોબાઈલ સહિતના ડિવાઇસ કબ્જે કરી વધુ તપાસ આરંભી છે.
પોલીસ વર્તુળોના જણાવ્યા મુજબ તારીખ 23 જાન્યુઆરીના રોજ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ ગળચર સહિતની ટીમે કિસાનપરા, નવાગામ અને માધાપર ચોકડી પાસે દરોડો પાડીને નિશાંત હર્ષભાઈ ચગ, સુકેતુ કનૈયાલાલ ભૂત અને ભાવેશ અશોક ખખ્ખરની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 12 લાખની મત્તા કબજે કરી હતી. તપાસ કરતા તેમની પાસેથી ચેરી બેટ નાઇન અને મેજિક એક્સ ડોટ કોમ નામની આઈડી મળી આવી હતી. જેમાં સૂત્રધાર તરીકે નીરવ પોપટ, અમિત ઉર્ફે મોન્ટુ ખમણ સહિતના નામો ખુલ્યા હતા. તેમજ આઈડી માં રૂપિયા 24 કરોડના વ્યવહાર થયાનું બહાર આવ્યું હતું. મામલામાં એક ધારાસભ્યના ભાઈનું પણ નામ ખોલ્યું હતું. હાલ પોલીસ આ 28 શખ્સોની પણ શોધખોળ કરી રહી છે
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે નીરવ પોપટ અને તેનો ભાઈ મોન્ટુ ઉર્ફે અમિત યુકેની કંપનીના સીમકાર્ડનો ઉપયોગ કરીને આઇડી ચલાવતા હતા. આઈડી હોસ્ટ યુએસમાં થયું હોય પોલીસે યુએસમાં મેઈલ કરી ડેટાની માંગણી પણ કરી હતી. તેમજ આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ પણ ઇસ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
નિરવ અને મોન્ટુના મોબાઈલ કબ્જે કરી તપાસનો ધમધમાટ
ક્રાઇમ બ્રાન્ચે નિરવ પોપટ અને અમિત ઉર્ફે મોન્ટુ ખમણની માધાપર ચોકડીથી ધરપકડ કરી છે. બંને બુકી બંધુઓના મોબાઈલ કબ્જે કરીને હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ જે મોબાઈલથી સટ્ટાકાંડ ચલાવવામાં આવતો હતો તે મોબાઈલ અને બુકીઓ પાસેથી મળી આવેલા મોબાઈલજા આઈએમઈઆઈ નંબર મેચ કરાવતા બંને મોબાઈલ એક જ હોવાનું પણ સામે આવ્યું છે.
+44 (યુકે) મોબાઈલ નંબરથી થયેલા વ્યવહારોની વધુ વિગતો કાઢવી પોલીસ માટે પડકાર?!!
જે રીતે વિગત બહાર આવી છે તે મુજબ બંને બુકી બંધુઓ +44 વાળા એટલે કે યુકેનો મોબાઈલ નંબર વાપરતા હતા. જેમાંથી ફકત વોટ્સઅપ કોલ કરીને જ વ્યવહારો કરવામાં આવતા હતા. જેથી આ નંબર પરથી થયેલા વ્યવહારો સહીતની માહિતી કાઢવી પોલીસ માટે ક્યાંક પડકાર બની રહ્યું છે તેવું સામે આવ્યું છે.
સટ્ટાકાંડમાં વધુ એક કડી આવી સામે : ગોવાના ચંદ્રેશનું નામ ખુલ્યું
સટ્ટાકાંડમાં પોલીસે બુકી બંધુઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરતા તેમાં વધુ એક કડી સામે આવી છે. જેમાં બંને બુકીઓએ ગોવાના ચંદ્રેશનું નામ જાહેર કર્યું છે. જો કે, સટ્ટાકાંડમાં ચંદ્રેશની શું ભૂમિકા છે તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી પણ હજુ આગામી દિવસોમાં વધુ કડાકા-ભડાકા થાય તેવા એંધાણ છે.