મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજ્યના મુસાફરોની યાતાયાત સેવામાં પ્રથમવાર મુકાઇ રહેલી BS–6 એમિશન નોર્મ્સ ધરાવતી 101 એસ.ટી. બસોના લોકાર્પણ કર્યું હતું. ત્યારે સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, રાજ્ય સરકારે એસ.ટી. નિગમને નફો રળવાના નહિ પરંતુ જનસેવાના સરળ પરિવહન માધ્યમ તરીકે સેવારત રાખીને કોરોના કાળમાં પણ મુસાફર સેવાઓને અસર પડવા દીધી નથી.મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યુ કે, કોરોના સંક્રમણની સ્થિતિએ ટ્રાવેલ-ટુરિઝમ સેકટરને અસર પહોચાડી છે ત્યારે રાજ્ય સરકારના માર્ગ વાહન વ્યવહાર નિગમે 50 ટકા પેસેન્જર કેપેસિટી સાથે રાજ્યમાં એસ.ટી. બસોનું સંચાલન કરીને સામાન્ય માનવી જરૂરતમંદ વ્યક્તિઓને રોજીંદી પ્રવૃત્તિઓ માટે અવરજવર યાતાયાત પરિવહન પુરૂં પાડયું છે.

મુખ્યમંત્રીએ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં રાજ્ય સરકાર અદ્યતન BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 1000 બસ સેવાઓ મુસાફરોની પ્રજાલક્ષી સેવામાં શરૂ કરશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.એસ.ટી. નિગમના સૌ કર્મયોગીઓએ કોરોના સંક્રમણની સ્થિતિમાં પણ અહનિર્શ ફરજરત રહીને આ 1000 બસ પૈકીના પ્રથમ લોટની 101 BS-6 બસોનું નરોડા ખાતેના સેન્ટ્રલ વર્કશોપમાં નિર્માણ કર્યુ છે.

મુખ્યમંત્રીએ આ 101 બસોને ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રસ્થાન સંકેત આપીને રાજ્યના 16 એસ.ટી. ડિવીઝનના વિસ્તારોમાં મુસાફરલક્ષી સેવામાં અર્પણ કરી હતી.વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદું જામનગરથી તેમજ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ ભરૂચથી વિડીયોલીંક દ્વારા આ અવસરે જોડાયા હતા. મુખ્યમંત્રીએ આ બસોના ઇન હાઉસ નિર્માણ માટે કર્મયોગીઓને અભિનંદન આપતાં કહ્યું કે, મુસાફરોને સારી, સરળ અને વિશ્વસનીય પરિવહન સેવાઓ પુરી પાડીને કોરોના કાળમાં પણ તમે સૌએ યાતાયાત કામ અટકવા દીધું નથી તે પ્રસંશનીય છે.

તેમણે એસ.ટી. નિગમના કર્મયોગીઓને કોરોના સામે રક્ષણ આપતી વેકસીન લેવાની અપીલ કરતાં એમ પણ કહ્યું કે, વેકસીનેશનથી સ્વયંની સલામતિ, ઘર પરિવારની સલામતિ અને પ્રવાસીઓનું સુરક્ષિત સલામતિ પરિવહનનું દાયિત્વ સૌ અદા કરે.વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુએ સૌનું સ્વાગત કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસરકારક ટ્રાન્સપોર્ટેશનથી દેશની ગતિશીલતાને આધાર આપવાની જે નેમ રાખી છે તેમાં ગુજરાત માર્ગ વાહનવ્યવહાર નિગમ વ્યાપક સેવાઓથી પોતાનું યોગદાન આપી રહ્યું છે. આ પ્રસંગે વાહનવ્યવહાર અને બંદરોના અધિક મુખ્ય સચિવ કમલ દાયાની, એસ.ટી. નિગમના એમ.ડી. એસ. જે. હૈદર તેમજ નિગમના જનરલ મેનેજર વાળા, સેક્રેટરી નિર્મલ આનંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.