અબતક, રાજકોટ
રાજકોટ છેલ્લાં બે દિવસ મેઘરાજા છૂટીછવાઇ મહેર વરસાવી રહ્યાં છે ગઇકાલે દિવસ દરમિયાન સતત ઝાંપટા વરસતાં રહ્યાં હતાં. છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરમાં વધુ ૨ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં મોસમનો કુલ ૨૫ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનું નોંધાયું છે. જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદના કારણે જળ જરૂરિયાત સંતોષતા ભાદર ડેમમાં રાજકોટને ૧૫ દિવસ ચાલે તેટલું પાણી મેઘરાજાએ એક રાતમાં ઠાલવી દીધું છે.
કોર્પોરેશનની ફાયરબ્રિગેડ શાખાના રેકોર્ડ પરથી પ્રાપ્ત થતી વિગત મુજબ આજે સવારે પૂરા થતાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોન અર્થાત જૂના રાજકોટમાં ૪૭ મીમી વરસાદ પડ્યો છે. આ સાથે સેન્ટ્રલ ઝોનમાં મોસમનો કુલ ૬૨૨ મીમી વરસાદ વરસી ગયો છે. વેસ્ટઝોન એટલે નવા રાજકોટમાં ૩૪ મીમી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સીઝનનો કુલ ૫૩૯ મીમી વરસાદ વરસી ગયો છે. જ્યારે સામાકાંઠે વિસ્તારમાં ૪૨ મીમી વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો ૫૪૪ મીમી વરસાદ વરસી ગયો છે.
સામાન્ય વરસાદના કારણે જળ જરૂરીયાત સંતોષતા ભાદર સિવાયના અન્ય એક પણ ડેમમાં પાણીની આવક થવા પામી નથી. ભાદર ડેમમાં ૦.૪૯ ફૂટ પાણીની આવક થવા પામી છે. ૩૪ ફૂટે ઓવર ફ્લો થતાં ભાદરની સપાટી હાલ ૨૦.૪૦ પોઇન્ટે જવા પામી છે. ડેમમાં ૨૦૦૮ એમસીએફટી પાણી સંગ્રહિત છે. નવું ૧૧૫ એમસીએફટી પાણી આવ્યું છે. રાજકોટને ભાદર ડેમમાંથી દૈનિક જેટલું પાણી ફાળવવામાં આવે છે. તેને સાપેક્ષમાં રાખવામાં આવે તો ૧૫ દિવસ ચાલે તેટલું પાણી ભાદર ડેમમાં મેઘરાજાએ ઠાલવી દીધું છે.