લુટેરી દુલ્હન ઘરમાં હાથફેરો કરી બીજા લગ્ન કરી લીધા: પત્ની સહિત ત્રણ સામે નોંધાતો ગુનો
મોરબીના ગ્રીન ચોકના કંસારા યુવાને નાગપુરની યુવતી સાથે લગ્ન કર્યા બાદ પરપ્રાંતિય પત્ની રૂા.૩.૨૬ લાખનો હાથફેરો કરી પલાયન થઇ ગયાની અને બીજા યુવક સાથે લગ્ન કરી તેની સાથે પણ છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે લૂંટેરી દુલ્હન સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના કંસારા શેરીમાં રહેતા દિપેન અનંતરાય નામના કંસારા યુવાને નાગપુરની અનિતા બાબુનાથ ચૌહાણ, તેની બહેન સુનિતા ઓમપ્રકાશ વાઘમારે અને બનેવી ઓમપ્રકાશ વાઘમારે સામે રૂા..૩.૨૬ લાખની છેતરપિંડીની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
દિપેન કંસારાની ઉમર વધવા છતાં સગપણનું ન ગોઠવાતા મોરબીમાં ઘડીયારનું કારખાનું ધરાવતા મુન્નાભાઇએ નાગપુરમાં પોતાની સાળી અનિતા સાથે લગ્નનું ગોઠવી દેવાનું જણાવ્યું હતુ. મુન્નાભાઇના મહારાષ્ટ્રીયન સાઢુભાઇ ઓમપ્રકાશ વાઘમારેનો પરિચય કરાવતા સુનિતા વાઘમારે અને ઓમપ્રકાશ વાઘમારેએ અનિતા સાથે લગ્ન કરાવી દેવાના બદલામાં રૂા.૨.૬૪ લાખ કટકે કટકે ખંખેરી લીધા બાદ ગત તા.૧.૫-૧૮ના રોજ સુનિતા અને દિપેન કંસારાના નાગપુર ખાતે લગ્ન થયા હતા. લગ્ન બાદ સુનિતા મોરબી રહેવા આવ્યા બાદ ચાર માસ સુધી દિપેન કંસારા સાથે પત્નીની જેમ રહ્યા બાદ પોતાના પિયરમાં આટો દેવા જવાના બહાને ઘરમાંથી રૂા.૬૨,૮૦૦ની કિંમતના સોનાના ઘરેણા લઇ જતી રહી હતી.
સુનિતાને તેડવા માટે દિપેન કંસારા સાતથી આઠ વખત નાગપુર ગયો હતો પરંતુ પોતાની પત્ની મળતી ન હતી અને સુનિતાએ અન્ય એક યુવક સાથે લગ્ન કરી તેની સાથે રૂા.૧.૫૦ લાખની છેતરપિંડી કર્યાનું સુનિતાના પાડોશીએ દિપેન કંસારાને જણાવતા મોરબી આવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પી.એસ.આઇ. આર.સી.વ્યાસ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.