મોરબી નગરપાલિકામાં કરાર આધારિત નોકરી કરતા વિનય ભટ્ટને ચીફ ઓફિસરને બદલે ગેરેજ ચેરમેને છુટા કર્યા !!!!!
મોરબી નગરપાલિકામાં જીવના જોખમે ફરજ બજાવતા ફાયરબ્રિગેડના કરાર આધારિત કર્મચારીને વિનકારણે ગેરેજ ચેરમેન અને વ્હીકલ સુપરવાઇઝરે છુટા કરી નાખતા વિવાદ સર્જાયો છે અને મામલો જિલ્લા કલેકટર સુધી પહોંચવાની સાથે કર્મચારીએ માનસિક સમતુલા ગુમાવવા જેવી સ્થિતિમાં મુકાઈ જતા પાલિકાના સતાધીશો પર ફિટકાર વરસી રહ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી નગરપાલિકામાં ફાયરબ્રિગેડમાં છેલ્લા ઘણા સમયથી ૧૧ માસના કરાર મુજબ નોકરી કરતા અને માળીયા,ટંકારામાં પુર-હોનારત વખતે જીવના જોખમે ફરજ બજાવવા ઉપરાંત મચ્છુ નદીમાં ફસાયેલા ૩ લોકોને જિલ્લા કલેકટરની હાજરીમાં રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવનાર વિનયભાઈ ભટ્ટને ફાયરશાખામાં નવા આવેલા હિતેશ કે.દવે અને ગેરેજ ચેરમેન અમિત ગામીએ કોઈપણ જાતના કારણ વગર છુટા કરવા હુકમ કરતા ડબલપાળીમાં નોકરી કરી જીવન નિર્વાહ કરતા વિનયભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા છે.
વધુમાં આ અગાઉ ગેરેજ ચેરમેન અમિત ગામીએ ફાયરબ્રિગેડમાં ફરજ બજાવતા દીપકસિંહ જાડેજાને પણ કોઈપણ કારણ વગર બદલી કરી નાખી છે અને વિનયભાઈના કિસ્સામાં ચીફ ઓફિસરની સતા પોતાના હાથમાં લઈ વ્હીકલ સુપરવાઈઝર મારફતે અચાનક નોકરીમાંથી છુટા કરતા આ મામલે જિલ્લા કલેકટરને ફરિયાદ કરવામાં આવી છે.
ટોચના સૂત્રોએ ઉમેર્યું હતું કે આ ઘટનાથી ખુદ જિલ્લા કલેકટર પણ ચોંકી ઉઠ્યા હતા અને વિનયભાઈની ન્યાય અપાવવા ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.
દરમિયાન ફરજ પ્રત્યે હરહંમેશ જાગૃત રહેતા વિનયભાઈ ભટ્ટે જિલ્લા કલેકટરને પાઠવેલ પત્રના અંતમાં અચાનક નોકરી જવાથી તેમની માનસિક હાલત બગડી હોય કાઈપણ પગલું ભારે તો ગેરેજ ચેરમેન અને વ્હીકલ સુપરવાઇઝરને જવાબદાર ગણવા માંગણી કરી હતી.