લૂંટમાં ઘરના જ ઘાતકી: સહ કર્મચારી ટીપ આપી’તી
બેલા પીપળીથી નવા પીપળી બાઇક પર આવતા યુવાનના બાઇક સાથે ત્રણ શખ્સોએ કાર ભટકાડી રૂા.29 લાખની રોકડ સાથેનો થેલોની લૂંટ ચલાવ્યાની કબુલાત
પોલીસે લૂંટના ઉપયોગમાં લેવાયેલી ત્રણ કાર અને રૂા.15 લાખ રોકડા કબ્જે કર્યા: સાતેય શખ્સોને દસ દિવસના રિમાન્ડ પર સોપાયા
મોરબી તાલુકાના નવી પીપળી અને જૂની પીપળી રોડ પર ગત રાતે બાઇક ચાલક કેલેફેકશન ટેકનો પ્રા.લી.ના કેશિયરના બાઇક સાથે ત્રણ અજાણ્યા શખ્સોએ કાર ભટકાડી ઢીકાપાટુ મારી રૂા.29 લાખની રોકડ સાથેના થેલાની દિલ ધડક લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસની જુદી જુદી ટીમ બનાવી લૂંટનો ભેદ ઉકેલવા શરૂ કરાયેલી વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
દરમિયાન લૂંટની ઘટનામાં ફેકટરીમાં કામ કરતા કર્મચારીએ જ ટીપ આપી હોવાનું અને ધ્રાંગધ્રાં-હળવદ પંથકના શખ્સોએ ગેંગ બનાવી લૂંટને અંજામ આપ્યાની મળેલી મહત્વની કડીના આધારે પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રૂા.15 લાખ રોકડા તેમજ લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ત્રણ કાર કબ્જે કરવામાં આવ્યું છે. અન્ય એક શખ્સની પોલીસે શોધખોળ હાથધરી છે.
મોરબીના નવી પીપળી ગામે રામજી મંદિર પાછળ રહેતા અને છેલ્લા ચારેક વર્ષથી બેલા પીપળી ગામે એસ્સાર પેટ્રોલ પંપ પાસે આવેલી કેલેફેકશન ટેકનો પ્રા.લી. નામની કંપનીમાં કેશિયર તરીકે નોકરી કરતા ચંદ્રેશભાઇ સવજીભાઇ શિરવી નામના 36 વર્ષના પટેલ યુવાને ગતરાતે ત્રણ અજાણ્યા શખ્સોએ બાઇક સાથે કાર અથડાવી રૂા.29 લાખની રોકડ સાથે લૂંટ ચલાવી ભાગી ગયા અંગેની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ચંદ્રેશભાઇ શિરવી ગઇકાલે ફેકટરીએ ગયા ત્યારે કંપનીમાં મહાદેવ આંગડીયા પેઢીમાંથી રૂા.10 લાખનું આંગડીયું આવ્યું હતું. અને કંપનીના માલિક હિતેશભાઇ રમેશભાઇ દલસાણીયાએ રૂા.20 લાખ રોકડા આપ્યા હતા. તેમાંથી રૂા.1 લાખ ભાડુ ચુકવ્યું હતુ અને બાકીના રૂા.29 લાખની રોકડ લઇને બાઇક પર પોતાના ઘરે જતો હતો ત્યારે જુની પીપળી અને નવી પીપળી રોડ પર કાચા રસ્તે પહોચ્યો ત્યારે પાછળથી આવેલી કાર અથડાતા પોતે પડી ગયો હતો.
ચંદ્રેશ શિરવી કંઇ સમજે તે પહેલાં કારમાંથી ત્રણ અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા અને ઢીકાપાટુ મારી તેની પાસેથી રૂા.29 લાખની રોકડ સાથેનો થેલાની લૂંટ ચલાવી કારમાં જૂની પીપળી તરફ ભાગી ગયા હતા. ચંદ્રેશ શિરવીએ લૂંટના બનાવની જાણ પોતાના શેઠ હિતેશભાઇ દલસાણીયાને કરતા તેઓ ઘટના સ્થળે પહોચી બાઇક સાથે કાર અથડાવવાથી ચંદ્રેશ શિરવીના પગમાં ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ લઇ ગયા હતા.
કેલેફેકશન ટેકનો પ્રા.લી.ના કેશિયર ચંદ્રેશ શિરવીની પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં કારમાં આવેલા ત્રણેય અજાણ્યા શખ્સો અંદાજે 25 વર્ષના હોવાનું જણાવ્યું હતું પરંતુ કાર કંઇ કંપનીની છે અને તેના નંબર જોઇ શકયો ન હોવાનું જણાવ્યું હતું. લૂંટના બનાવની જાણ થતા મોરબી એલસીબી, એસઓજી અને મોરબી તાલુકા પોલીસે હાઇવે પર નાકાબંધી કરાવી હતી તેમજ સીસીટીવી ફુટેજ મેળવી લૂંટનો ભેદ ઉકેલવા સઘન તપાસ હાથધરી હતી. દરમિયાન ફેકટરીમાં કામ કરતા ચુડાના અર્જુનગીરી નારદગીરી ગોસાઇ નામના કર્મચારીએ કેશિયર ચંદ્રેશ શિરવી દરરોજ મોટી રકમ લઇને જતો હોવાની ટીપ આપી હતી. રસ્તામાં આંતરી લૂંટ ચલાવવા પ્લાન બનાવ્યો હતો.
હ્ળવદના ઘનશ્યામપુરના રાજભા દિલીપભાઇ લીબોલાએ ચોટીલાના મયુરસિંહ દિલીપભાઇ ડોડીયા, હળવદના શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ, હળવદના મહિપાલસિંહ અભેસિંગ ગોહિલ, ધ્રાંગધ્રાં હરીપરના ભગવાન ઉર્ફે ભગો કરશન રબારી અને ધ્રાંગધ્રાંના હરીપરના દશરથ ઉર્ફે લાદેન જીલુભાઇ પરમાર નામના શખ્સએ લૂંટનો પ્લાન બનાવી જી.જે.13સીએ. 0008 નંબરની હોન્ડા સિટી કાર, જી.જે.4એપી. 1109 અને નંબર પ્લેટ વિનાની ક્રિયાટા કારનો ઉપયોગ કરી ગત તા.15 ડિસેમ્બરની મોડીસાંજે લૂંટ ચલાવી ભાગી ગયાનું બહાર આવતા એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. કે.જે.ચૌહાણ, મોરબી તાલુકા પી.આઇ. કે.એ.વાળા સહિતના સ્ટાફે સાતેય શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રૂા.15 લાખની રોકડ અને ત્રણ કાર કબ્જે કરી ફેકટરીમાં કામ કરતા ચુડાના અર્જુનગીરીની શોધખોળ હાથધરી છે. લૂંટના ગુનામાં ઝડપાયેલા સાતેય શખ્સોને દસ દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ હાથધરી છે.