મોરબીની પીપળીયા ચોકડીથી આમરણ જવાના રસ્તે ચાલુ કારમાં ચાલક તથા કાર સવાર વ્યક્તિ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેને પગલે ભોગ બનનાર યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી અગાઉ થયેલ ખૂનનો ખાર રાખી ફાયરિંગ કરાયું હોવાનું જણાવ્યું હતું.
બનાવની જાણવા મળતી વિગત અનુસાર જોડિયા તાલુકાનાં તારાણા ગામે રહેતા વિપુલભાઈ લક્ષ્મણભાઈ પીઠમલ (ઉ.વ.38)એ હાલમાં સાધાભાઇ ભલૂભાઇ, હમીરભાઇ મેપાભાઇ, ભલુભાઈ મોહનભાઇ અને કાનાભાઇ હમીરભાઇ તારાણા તાલુકો જોડીયા તેમજ ભરતભાઇ બચુભાઇ કુંભારવાડીયા (રહે.ફડસર તાલુકો મોરબી)ની સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ છે કે, મોરબીની પીપળીયા ચોકડીથી આમરણ જવાના રસ્તા ઉપર ગાડી લઈને પસાર થતા હતા તે દરમિયાન તેની ગાડી ઉપર તા.ર6/9 ના રોજ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
તેના કાકા મેપાભાઇ માંડણભાઇને આરોપી સાધાભાઇ ભલૂભાઇ સાથે જી.ઇ.બી.ના થાંભલા ખેતરમાં નાખવા બાબતે તારાણા ગામે બોલાચાલી અને ઝધડો થતા મારામારી થઈ હતી. આ બનાવમાં સાધાભાઇના ભાઇ વાસુરભાઇની હત્યા નિપજાવવામાં આવી હતી. જે બાબતનો ખાર રાખી તમામ આરોપીઓએ કાળા કલરની ક્રેટા ગાડીમાં આવીને સાધાભાઇ ભલૂભાઇએ પોતાની લાયસન્સ વાળા હથીયાર જોટા વડે ફરીયાદી તથા હિરાભાઇ સ્વિફટ ગાડી નંબર જીજે 3 કેસી 6967 માં જતા હતા ત્યારે આરોપીએ મારી નાખવાના ઇરાદે ત્રણ થી ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા જેમાં એક રાઉન્ડ સ્વીફટ ગાડીના ડ્રાઇવર સાઇડના કાચમા ફાયરીંગ કરી કાચ તોડી હિરાભાઇ બેઠેલ હતા તેની ખાલી સાઇડની શીટ પાસેના દરવાજા અંદર રાઉન્ડ ધુસી જઇ બહાર નીકળી હતી. આ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 307, 143, 149, 4ર7 તથા આર્મસ એક્ટ કલમ રપ(બી) એ 30 તથા જી.પી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધીને આરોપીઓને દબોચી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.