૭માં ધોરણથી સંસ્કૃત વિષયને કારકિર્દી ઘડતર માટે પસંદ કર્યો:હવે પીએચડી પણ કરશે
સંસ્કૃત વિષયમાં મહાન ગ્રંથો પર ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી પીએચડી કરવાનું પસંદ કરે છે. ત્યારે મોરબીની મુસ્લિમ યુવતીએ આ પડકાર ઝીલીને ધો. ૭ થી જ સંસ્કૃત વિષયને કારકિર્દીનું લક્ષ્ય બનાવી દીધું હતું. અદભુત રુચિ અને મહેનત તથા લગનને કારણે મુસ્લિમ યુવતીએ સ્નાતક, અનુસ્તાનક કક્ષાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમજ હાલમાં તે સંસ્કૃત વિષયમાં મહાભારતની વિદુરનીતિ પર એમફિલનો અભ્યાસ કરીને તેના પર ગહન ચિંતન કરી રહી છે.
શહેરના પછાત વિસ્તાર મકરાણી વાસમાં રહેતી ૨૪ વર્ષીય પઠાણ સાયરાબાનુ અનવરખાન આધુનિકતાની હોડમાં લુપ્ત થવાના આરે પહોંચી ગયેલી દેવભાષા સંસ્કૃતને અખંડિત રાખવા સરસ્વતી અનુષ્ઠાન કર્યું છે. તે ધો. ૭ માં ભણતી હતી. તે સમયે સંસ્કૃત વિષયમાં બોધપાઠ અંગેની વાર્તાઓ વાંચીને આ વિષયમાં ભારે રસરૂપી જાગી હતી. એ પછી તો સંસ્કૃત વિષય સાથે એટલો લગાવ વધી ગયો કે તેણે સંસ્કૃત વિષયને કારકિર્દીના મુખ્ય વિષય તરીકે પસંદ કર્યો હતો. ધો. ૧૦ અને ધો. ૧૨ માં સંસ્કૃત વિષયમાં તેને ૮૦ માર્ક્સ આવ્યા હતા. તેને પ્રાથમિક શિક્ષણ અહીંની માતૃ મંદિર શાળામાં, માધ્યમિક ગર્લ્સ હાઈસ્કૂલમાં તથા આર.ઓ.પટેલ કોલેજમાં ગ્રેજ્યુએટ તેમજ એમ.એ, એમ.ફીલ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કર્યું છે. આ બધા જ કારકિર્દીના સીમા ચિન્હો પર તે ટોપ પર રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૪૦૦ વિદ્યાર્થીઓમાં સંસ્કૃતના મુખ્ય વિષય તરીકે પ્રથમ ક્રમાંકે ગ્રેજ્યુએટ થઇ છે. સંસ્કૃત વિષયમાં ઉચ્ચતમ સિદ્ધિ બદલ તત્કાલીન મુખ્યમંત્રી મોદીના હસ્તે સન્માન, ચાર ગોલ્ડ મેડલ તથા ગોધરામાં ઉમ્મીદ મુસ્લિમ સંસ્થા દ્વારા સન્માન તેમજ અનેક પ્રમાણપત્રો મેળવ્યા છે. હાલમાં તે મહાભારતની વિદુરનીતિ પર પીએચડી કરી રહી છે. આ અંગે સાયરાબાનુએ કહ્યું છેકે મારા પિતા મહાભારત જોતા હતા. તેથી મને પણ રસ જાગ્યો હતો, ઉપરાંત મેં કુરાન વાંચ્યું હતું અને હિન્દૂ ધર્મના ગ્રંથોમાં શું બોધપાઠ હશે. તે જાણવા માટે મે ગીતા અને મહાભારત ગ્રંથો વાંચતા જ મને વિદુરનીતિ પર વિશેષ રુચિ થઇ અને વિદુરનીતિનો મહાભારત પર ખાસ્સો પ્રભાવ રહ્યો છે. વિદુરે તેની નીતિ થી મહાભારતના અનેક પાસાઓ પલ્ટ્યા છે. તેથી વિદુર નીતિ આજના જમાનામાં કેટલી ઉપયોગીતા છે તે માટે આ વિષયમાં સંશોધન કરું છું. બંને સમાજના ધર્મ ગ્રંથો શાંતિ અને ભાઈચારાનો એક સમાન સંદેશ આપે છે. તેથી મારા માટે માનવતા સર્વ શ્રેષ્ઠ છે.