ઓરેવા કંપનીએ ઝૂલતો પુલ સાંભળવાની ના પાડી : હવે નગરપાલિકા કરશે સંચાલન
દેશ – વિદેશના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ અને મોરબીની શાન સમો ગણાતો ઝૂલતો પુલ છેલ્લા દોઢ માસથી બંધ પડ્યો છે, જો કે આ બાબત જિલ્લા કલેકટરના ધ્યાને આવતા ઝૂલતા પુલનું સંચાલન નગરપાલિકાને સોંપવા નક્કી કરતા નગરપાલિકાએ પણ હકારાત્મક અભિગમ અપનાવી માર્ચ માસમાં પુન: ઝૂલતો પુલ શરૂ કરવા જાહેર કર્યું છે.
મોરબીમાં રાજવી કાળમાં નિર્માણ થયેલ ઝૂલતો પુલ હાલ છેલ્લા દોઢેક માસથી પર્યટકો અને સ્થાનિક સહેલાણીઓ માટે બંધ છે,છેલ્લા દશ વર્ષથી ઝૂલતા પુલનું સંચાલન કરતી ઓરેવા કંપની સંચાલન કરવા હવે રાજી ન હોય એ મામલે જિલ્લા કલેકટરને લેખિત પત્ર પાઠવી દીધો હતો પરિણામે દોઢ માસથી જાહેર જનતા માટે પુલ બંધ કરાયો છે.
બીજી તરફ જિલ્લા કલેકટર દ્વારા ઝૂલતા પુલનું સંચાલન મોરબી પાલિકાને સોંપવા પત્ર પાઠવવામાં આવ્યો હતો અને ચીફ ઓફિસર દ્વારા આ મામલે ત્વરિત નિર્ણય લઈ પાલિકાના સત્તાધીશોની આગામી બેઠકમાં ઝૂલતા પુલનું સંચાલન સાંભળી લેવા તૈયારી દાખવી છે.ઝૂલતા પુલના સંચાલન મામલે પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે પાલિકામાં વિધિવત ઠરાવ કરી આગામી ૧૫ માર્ચ સુધીમાં પુન: ઝૂલતો પુલ જાહેર જનતા માટે શરૂ કરાશે.