- રૂ.7.10 લાખનું માસિક 10 થી 20 ટકા માસિક વ્યાજ વસુલ કરતા 12 શખ્સો સામે નોંધાતો ગુનો
- કોરોનાના કારણે થયેલા લોક ડાઉન દરમિયાન વેપારીને ચુકવવા વ્યાજ નાણા લીધા’તા: વ્યાંજકવાદીઓએ કોરા ચેકમાં સહી કરાવી ધમકી દેતા
મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા અને રવાપર રોડ પર જી.એમ.કોમ્પ્લેક્ષમાં મોબાઇલ રીપેરીંગનું કામ કરતા સિંધી યુવાને કોરોના કાળ દરમિયાન થયેલા લોક ડાઉનના કારણે વેપારીઓને પેમેન્ટ ચુકવવા મોરબીના જુદા જુદા 12 જેટલા વ્યાજના ધંધાર્થીઓ પાસેથી રૂા.7.10 લાખ માસિક 10 થી 20 ટકા વ્યાજે લીધા બાદ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા માટે વ્યાંજકવાદીઓ દુકાને અને ઘરે આવી ધાક ધમકી દઇ કોરા ચેકમાં સહી કરાવી ફરિયાદ કરવાની ધમકી દેતા હોવાથી કંટાળી સરદારબાગમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાઘપરા શેરી નંબર 10માં રહેતા અને રવાપર રોડ પર જી.એમ.કોમ્પ્લેક્ષમાં ભારત ટેલિકોમ નામની દુકાન ધરાવતા રાજેશ તુલશીભાઇ ભોજવાણી નામના 41 વર્ષના સિંધી યુવાને વાઘપરાના દિપક ગોગરા, ઉમા ટાઉનસીપના ફારૂક જેડા, નવલખી રણછોડનગરના મુકેશ મોચી, મોરબીના નરેન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશ ભરવાડ, લાલા ભરવાડ, જીતુ શર્મા, ડેવીડ અનિલ રાજા, અશ્ર્વીન પટેલ, શિવુભા અને વિરૂભા પાસેથી રૂા.7.10 લાખ વ્યાજે લીધા બાદ તેઓ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા પોતાની દુકાને અને ઘરે આવતા હોવાથી કંટાળી સરદાર બાગમાં જઇ ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
કોરોના દરમિયાન થયેલા લોક ડાઉનના કારણે ધંધો બંધ રહ્યો હતો પરંતુ વેપારીઓને મોટી રકમ ચુકવવાની હોવાથી વાઘપરાના દિપક ગોગરા પાસેથી માસિક 10 ટકા વ્યાજથી 40 હજાર, ફારૂક જેડા પાસેથી 50 હજાર, મુકેશ મોચી પાસેથી 70 હજાર, નરેન્દ્રસિંહ જાડેજા પાસેથી 60 હજાર, રમેશ ભરવાડ પાસેથી 80 હજાર, ડેવીડ અનિલ રાજા પાસેથી 40 હજાર, અશ્ર્વિન પટેલ પાસેથી રૂા.1.20 લાખ માસિક 5 ટકા, લાલા ભરવાડ પાસેથી 20 હજાર માસિક 20 ટકા, જીતુ શર્મા પાસેથી રૂા.1.80 લાખ માસિક 7 ટકા, શિવુભા પાસેથી 10 હજારના દરરોજ 100ના હપ્તા 100 દિવસ સુધી ચુકવવાનો અને તેઓએ 10 હજારમાંથી રૂા.200 કાપી રૂા.8 હજાર આપ્યા હતા. વિરૂભા પાસેતી રૂા.20 હજારના દર અઠવાડીયે 2000 ચુકવવાની શરત સાથે વ્યાજે લીધા હતા.
તમામ શખ્સો વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા અવાર નવાર દુકાને અને ઘરે આવી ધમકી દેતા અને કોરા ચેકમાં સહી કરાવી કોર્ટમાં ફરિયાદ કરવા જણાવતા હોવાથી કંટાળી ગત તા.8 નવેમ્બરે મહેશ હોટલ પાસે આવેલી જંતુનાશક દવાની દુકાનેથી દવા લઇ સરદાર બાગમાં ગટગટાવી લીધી હતી પરંતુ ત્યાં તેમનો મિત્ર દિપક ગોગરા આવી જતા તેને પોતાના ભાઇ રાકેશને ફોન કરી જાણ કરી હતી તેમજ સારવાર માટે હોસ્પિટલ લઇ ગયો હતો. હોસ્પિટલમાંથી રજા અપાતા તમામ સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી દીધાની ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એચ.એન.ભટ્ટ સહિતના સ્ટાફે તમામ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.