કારખાનામાં સુપરવાઈઝરની વહેલી સવારે અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું
મોરબીને ’ક્રાઇમ સીટી’ તરીકે બોલવામાં કોઈ અતિશયોક્તિ ભર્યું નથી. ચાર દિવસ પહેલા માળીયા મી ના રોહિશાળા ગામે ખેડૂતની હત્યા બાદ હાલ વધુ એક હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. જેમાં બેલા(રંગપર) ગામની સીમમાં આવેલ ફ્યુઝન સીરામીકમાં કામ કરતા પરપ્રાંતીય યુવક કે જે ફ્યુઝન સિરામિકમાં નાઈટ શિફ્ટમાં ગ્લેઝલાઈન સુપરવાઈઝર તરીકે કામ ઉપર હોય ત્યારે વહેલી સવારમાં ફેક્ટરી બહાર કોઈ કારણોસર ગયો ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેને છાતીમાં છરીનો એક ઘા મારી દેતા એમપીના યુવકનું સારવારમાં મોત નિપજતા મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા હત્યારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોરબી તાલુકાના બેલા(રંગપર) ગામની સીમમાં ખોખરા હનુમાનજી રોડ ઉપર આવેલ ફ્યુઝન સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની રાજીવ નારાયણ રાજક્રિષ્ન સરકાર ઉવ.20 એ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા હત્યારા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.2/12 ની નાઈટ શિફ્ટમાં મરણ જનાર મારો ભાઈ અંબરીશ સરકાર ઉવ.23 ફ્યુઝન રામીકની ગ્લેઝલાઈનમાં સુપરવાઈઝર તરીકેની પોતાની ફરજ ઉપર કામે આવ્યો ત્યારબાદ તા.03/12 ની વહેલી સવારે ફ્યુઝન સીરામીકની બહાર કોઈ કારણોસર જતા ત્યાં કોઈ અજાણ્યા ઇસમે તેને છાતીમાં છરીનો એક ઘા મારી દેતા ફ્યુઝન સીરામીકના ગેટની સિક્યુરિટી ઓફિસ પાસે આવી મને મારા ભાઈએ મોબાઇલ ફોનમાં કોલ કરી કહ્યું ’મુઝે કીસીને ચાકુ માર દિયા હૈ તુમ ગેટ પર આજા’ આથી મારા ભાઈ અંબરીસને પ્રથમ મોરબીની સમર્પણ ખાનગી હોસ્પિ.માં સારવારમાં લઇ જવાતા બાદ મોરબી ક્રિષ્ના હોસ્પિ.વધુ સારવાર માટે લઇ જવાતા ત્યાં તેનું ટૂંકી સારવારમાં મોત નિપજ્યું હતું.
તાલુકા પોલીસ ક્રિષ્ના હોસ્પિ. ખાતે આવી ગયેલ ત્યારે આગળની કાર્યવાહી સબબ મારા ભાઈની લાશનું મોરબી સિવિલ હોસ્પિ.માં પીએમ કરાવેલ હોય, જે મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ અજાણ્યા હત્યારા આરોપી સામે આઇપીસી 302 સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.