મોરબીના શકત શનાળા ગામે ઇન્દિરાવાસમાં રહેતા પાડોશી પરિવાર વચ્ચે ચાલતા ઝઘડાના કારણે નવ શખ્સોએ તમારા મકાન પર કેમ સીસીટીવી કેમેરા લગાવ્યા કહી ધોકા અને પાઇપથી હુમલો કરી દાદા-દાદી અને બે પૌત્ર વૃધ્ધાને માર માર્યાની અને ચાર કાર તેમજ સીસીટીવી કેમેરામાં તોડફોક કર્યાની નવ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોધાઇ હતી. ગંભીર રીતે ઘવાયેલા રાહુલ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે હુમલાના ગુનામાં સંડોવાયેલા નવ શખ્સોની ધરપકડ કરી છે. પરંતુ તોડફોડ અને હુમલાના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોના ફરિયાદમાં નામ ન હોવાનું અને ધરપકડ પોલીસ ન કરી હોવાથી મૃતકના પરિવારે રાહુલ સોલંકીનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે.

નવ શખ્સોએ ધોકા અને પાઇપ મારી સીસીટીવી અને ચાર કારમાં તોડફોડ કરી બઘડાટી બોલાવતા નાસભાગ: સીસીટીવી કેમેરા કેમ લગાવ્યા કહી માર માર્યો: હુમલામાં દાદા-દાદી અને બે પૌત્ર ઘવાયા તા

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શકત શનાળા ગામે ઇન્દિરાવાસમાં રહેતા અને હડમતીયા ગામે એલીટ સ્કૂલમાં બસમાં ડ્રાઈવીંગનું કામ કરતા બાબુભાઇ આંબાભાઇ સોલંકી, તેમની પત્ની દેવુબેન (ઉ.વ.61), પૌત્ર નિતીન સોલંકી અને રાહુલ સોલંકીને પાડોશમાં રહેતા મહિપત ઉર્ફે ભુરો રવજી વાઘેલા, પ્રેમજી છગન વાઘેલા, અશ્ર્વીન રવજી વાઘેલા, પંકજ પ્રેમજી વાઘેલા, નિતિન ઉર્પે લાલો ધનજી સોલંકી, મનોજ ધનજી સોલંકી, ગોવિંદ મનસુખ વાઘેલા, મયુર કાંતી વાઘેલા અને માનવ બચુ સોલંકી નામના શખ્સોએ ધોકા અને પાઇપથી માર માર્યાની અને ચાર કાર તેમજ એલઇડી ટીવીમાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

ઘવાયેલા ચારેયને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાં રાહુલ સોલંકી નામના 17 વર્ષના યુવાનનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. બાબુભાઇ સોલંકી અને તેમના પાડોશી મહિપત ઉર્ફે ભુરા સાથે ઝઘડો થયો હોવાથી પોતાના પર ગમે ત્યારે હુમલો કરે તેવી દહેશત હોવાથી પોતાની સલામતી માટે બાબુભાઇ સોલંકીએ પોતાના ઘરે સીસીટીવી કેમેરા લગાવ્યા હોવાથી મહિપત ઉર્ફે ભુરો ઉશ્કેરાયો હતો અને સીસીટીવી કેમેરા કેમ લગાવ્યા તેમ કહી પોતાના સાગરીતો સાથે ધોકા અને પાઇપથી હુમલો કરી જી.જે.36એલ. 4968 નંબરની ઇક્કો કાર, જી.જે.3ઇએલ. 8674 નંબરની મારુતિવેન, જી.જે.3એજે. 6564 નંબરની મારુતિવેન અને જી.જે.3એવી. 9282 નંબરની મહેન્દ્ર કંપનીની કારમાં તોડફોડ કરી રુા.30 હજારનું નુકસાન કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

મોરબી પોલીસ એ ડિવિઝન પોલીસે તોડફોડ અને હુમલાના ગુનામાં સંડોવાયેલા નવ શખ્સોની ધરપકડ કરી છે. પરંતુ હુમલા અને તોડફોડના ગુનામાં મયુર પ્રેમજી વાઘેલા, પ્રકાશ મનસુખ વાઘેલા અને સોમી મનસુખ વાઘેલાની સંડોવણી હોવા છતાં ફરિયાદમાં પોલીસે નામ ન લખ્યાની અને ધરપકડ ન કરી હોવાથી મૃતક રાહુલ સોલંકીના પરિવારજનો રોષે ભરાયા હતા અને જ્યાં સુધી મયુર વાઘેલા સહિત ત્રણેયની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.