ઉપપ્રમુખ તરીકે જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન પદે સુરેશભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતા તરીકે કમલેશભાઈ દેસાઈ અને દંડક પદે સુરભીબેન ભોજાણીનું નામ જાહેર

મોરબીના પ્રથમ નાગરિક એટલે કે નગર પાલિકા પ્રમુખ તરીકે કુસુમબેન પરમારનું નામ જાહેર થયું છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે જયરાજસિંહ જાડેજા અને કારોબારી ચેરમેન પદે સુરેશભાઈ દેસાઈનું નામ જાહેર થયું છે.

મોરબી નગરપાલિકા 1 એપ્રિલ 1950થી અમલમાં આવી હતી. અહીં અગાઉ 66 પ્રમુખ અને 34 ઉપપ્રમુખ સુકાન સંભાળી ચુક્યા છે. આ વર્ષની ચૂંટણીમાં તમામ 13 વોર્ડની 52 બેઠકો ઉપર ભાજપના જ ઉમેદવારોનો વિજય થયો છે. કોંગ્રેસના ભાગમાં એક પણ બેઠક આવી ન હતી. જેને પગલે ભાજપને પોતાના હોદેદારો મુકવાની તક મળી છે.

આજે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા નગરપાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખ સહિતના હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં  પાલિકાના 67માં પ્રમુખ તરીકે કુસુમબેન પરમારનું નામ જાહેર કરાયુ છે. જ્યારે 35માં ઉપપ્રમુખ તરીકે જયરાજસિંહ જાડેજા અને કારોબારી ચેરમેન તરીકે સુરેશભાઈ દેસાઈનું નામ જાહેર થયું છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે કમલેશભાઈ રતિભાઇ દેસાઈ અને દંડક તરીકે સુરભીબેન મનીષભાઈ ભોજાણીનું નામ જાહેર થયું છે.

આજે તા.16ના રોજ નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અનામતને પગલે પ્રમુખ તરીકે કુસુમબેન પરમારની નિમણુંક થવાની છે. જિલ્લા ભાજપ પ્રમુખે હોદેદારોના નામની જાહેરાત કરી દીધા બાદ આ હોદેદારોએ વિધિવત રીતે ફોર્મ ભર્યા છે. હવેઆવતીકાલે સવારે 10.30 કલાકે ટાઉનહોલ ખાતે પ્રથમ સામાન્ય સભા મળશે જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની સત્તાવાર નિમણુંક થનાર છે.

વાંકાનેર પાલિકાના પ્રમુખપદે રીટાબા રાઠોડ અને ઉપપ્રમુખપદે જયશ્રીબેન સુરેલા

પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીના એક દિ’ પૂર્વે 16 સભ્યોના રાજીનામાંથી રાજકારણમાં ગરમાવો

વાંકાનેર નગરપાલિકામાં ગઈકાલે 16 સભ્યોના રાજીનામાથી રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. ત્યારબાદ આજરોજ પાલિકાના પ્રમુખ તરીકે રીટાબા રાઠોડ અને જયશ્રીબેન સુરેલાનું નામ જાહેર થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. વાંકાનેર નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો દ્વારા સર્વસંમતિથી નક્કી કરીને પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે બે નામ ભાજપના સ્થાનિક આગેવાનોને આપવામાં આવ્યા હતા જે પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા હતા જોકે તે બંન્ને નામ પર કાપ મૂકી અને જે લોકોની પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે દાવેદારી ન હતી તેના નામના મેન્ડેડ આવે તેવી શક્યતા જણાતા ભાજપના ચુંટાયેલા 24 સદસ્યોમાંથી કુલ મળીને 16 જેટલા ચૂંટાયેલા સભ્યો દ્વારા વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને ભાજપ પક્ષમાંથી રાજીનામા આપી દેવામાં આવ્યા છે જેને લઈને ભાજપમાં હાલ ભડકો થયો છે. જો આ ઊંડાણપૂર્વક વિગત જોવા જઈએ તો વાંકાનેર ભાજપમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલ્યો આવે છે ત્યારે આવતીકાલે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી થવાની છે જેને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલતો વિવાદ સપાટી પર આવ્યો છે જેમાં સામાન્ય રીતે જીતેલા સભ્યો દ્વારા જ સર્વસંમતિથી નક્કી કરીને નામ આપવામાં આવે તો તે નામને મોવડી મંડળ દ્વારા જાહેર કરાય છે. જોકે વાંકાનેર નગરપાલિકાના ચૂંટાયેલા 28 સભ્યો છે જેમાં 24 સભ્યો ભાજપના અને ચાર સભ્યો બીએસપીના એમ કુલ 28 સભ્યોએ સર્વસંમતિથી બે નામ લખીને મોકલ્યા હતા જેમાં પ્રમુખ માટે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ માટે ધર્મેન્દ્રસિંહ ગેલૂભા જાડેજાનું નામ નક્કી કરીને મોકલવામાં આવ્યા હોવા છતાં ભાજપના મોવડી મંડળ દ્વારા આ બન્ને નામોને કાપતા વાંકાનેર ના  ભાજપના ચૂંટાયેલા સભ્યો નારાજ થયા હતા ત્યારે વાંકાનેર શહેર ભાજપ દિનુભાઈ વ્યાસને  ભાજપના ચુંટાયેલા કુલ મળીને 24 સભ્યોમાંથી 16 સભ્યોએ ભાજપમાંથી છેડો ફાડવા લેખિત આપ્યું છે.

બીજીબાજુ આજરોજ ભાજપ દ્વારા વાંકાનેર પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં પ્રમુખ તરીકે રીટાબા રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે  જયશ્રીબેન સુરેલાનું નામ જાહેર થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.