મચ્છુ-1 ડેમ સાત ફૂટે ઓવરફ્લો : મચ્છુ-2ના 28 દરવાજા અને મચ્છુ-3ના 16 દરવાજા ખોલી નખાતાં મચ્છુ નદીમા ઘોડાપુર
વાંકાનેર અને મોરબી તેમજ માળીયા માંથી અંદાજે 3000 હજારનું સ્થળાંતર : મોરબીના રબારીવાસ સહિતના વિસ્તારોમાં પાણી ઘુસ્યા : રબારી અને હરિજન વાસ ખાલી કરાવાયા
મોરબી: મોરબી પંથકમાં ગઈકાલે રાતથી શરૂ થયેલા ભારે વરસાદ ઉપરાંત ચોટીલા પંથકમાં આભ ફતવા જેવી પરિસ્થિતી ને કારણે મોરબી,માળિયા અને વાંકાનેરની સ્થિત અતિ ગંભીર બની જવા પામી છે અને ગઈકાલ રાતથી સેંકડો લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રે આઠ વાગ્યા બાદ મોરબી જિલ્લામાં શરૂ થયેલ વરસાદને કારણે તંત્ર દ્વારા અગમચેતી વાપરી માળિયા અને મોરબી તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.અને મચ્છુ નદી તથા ત્રણેય મચ્છુ ડેમના હેઠવાસના વિસ્તારોમાં અત્યારે પણ લોકો ને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
દરમિયાન ચોટીલા પંથકમાં દશ થી બાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા મચ્છુ1 ડેમ 7 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે અને પાણીની જોરદાર આવક થતા મચ્છુ2 તથા મચ્છુ3 ડેમમાં 226208 કયુસેક લીટર પાણી નો ઇન્ફલો આઉટફલો જઈ રહ્યો હોવાનું સિંચાઇ વિભાગ ના સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.. વધુમાં પાણીની આવક વધતા મચ્છુ2 ડેમના 28 દરવાજા અને મચ્છુ3 ના 18 દરવાજા ખોલી નખાયા છે પરિણામે મોરબી શહેરમાં થી પસાર થતી મચ્છુ નદી દરિયાની જેમ ઘૂઘવાટા મારી રહી છે અને પાડા પુલની ગોળાઈ સુધી જલસ્તર પહોંચી ગયું છે.