- મોરબીના ઉદ્યોગપતિ અને લીલાપરના સામાજીક આગેવાન વચ્ચે બઘડાટી બોલી: તલવાર, ધારિયા, ધોકા અને છુટા પથ્થર મારી સામ સામે હુમલો
- ખૂની હુમલો અને લૂંટની ઘટના પગલે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હોસ્પિટલ દોડી ગયા: પૂર્વ ધારાસભ્યએ મોડીરાતે ગૃહ મંત્રીને કરી રજૂઆત
મોરબી નજીક આવેલા રફાળેશ્ર્વર પાસે સ્કોડા અને એસક્રોસ કાર અથડાતા થયેલી બોલાચાલી અને કારમાં થયેલી નુકસાની વસુલ કરવા તલવાર, ધારિયા, ધોકા અને છુટા પથ્થરથી સામસામે હુમલો થતા બંને પક્ષે આઠ વ્યક્તિઓ ઘવાયા હતા. સ્કોડા કારમાં સવાર સિરામીક ફેકટરીના ભાગીદારો સહિત પાંચ વ્યક્તિઓ ઘવાયા હતા. જ્યારે સામા પક્ષે લીલાપરના સામાજીક આગેવાન સહિત ત્રણ ઘવાયા હતા. સામસામે હુમલા દરમિયાન ઉદ્યોગપતિ પાસેથી રૂા.2.95 લાખની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ઘવાયેલા ઉદ્યોગપતિને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યારે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હોસ્પિટલ દોડી ગયા હતા. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા પણ હોસ્પિટલ આવ્યા હતા અને મોડી રાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે ટેલિફોનીક વાત ચીત કરી રજૂઆત કરતા ગૃહ મંત્રીએ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. બંને પક્ષે અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર ગૌતમ સોસાયટીમાં રહેતા અને સરતાનપર રોડ પર આવેલા સિરામીકના કારખાનેદાર રજનીભાઇ પરસોતમભાઇ સુરાણીએ સુલતાન, અજય, ગૌતમ મકવાણા અને બે અજાણ્યા શખ્સોએ રફાળેશ્ર્વર પાસે કાર ભટકાડી નુકસાની વસુલ કરવાના બહાને હુમલો કરી હર્ષદભાઇ, કીરીટભાઇ, પાર્થભાઇ અને પ્રતિકભાઇને માર મારી રૂા.2.95 લાખની લૂંટ ચલાવી કારમાં નુકસાન કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સામાપક્ષે મોરબી તાલુકાના લીલાપર ગામના સામાજીક આગેવાન ગૌતમ જયંતીભાઇ મકવાણાએ સ્કોડા કારના ચાલક, રફાળેશ્ર્વરના દીપભાઇ ગઢવી અને ખીમભા ગઢવીએ તલવાર, ધારિયા અને ધોકા વડે હુમલો કરી સુલતાન, અજયના ભાઇ અને તેના કાકાને ઇજા થયાની અને જ્ઞાતિ અંગે અપમાનિત કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.