બિભત્સ વીડિયો ઉતારી બ્લેકમેલ કરનાર પૈસા પડાવવામાં પ્રેમી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો તો
તપાસનીશ અધિકારી પીઆઈ એમ.પી.પંડ્યા અને સરકારી વકીલ સંજયભાઈ દવેની મહેનત રંગ લાવી
મોરબીમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને સોશિયલ સાઇટ પર એક શખ્સે પ્રેમજાળમાં ફસાવી બીભત્સ વિડીયો ઉતારી લઈ બ્લેકમેઇલ કરી હતી. એટલું જ નહી પ્રેમી સહિત તેના બે મિત્રોએ કુકર્મ ગુજાર્યું હતું. જે મામલે મોરબી પોકસો કોર્ટે ત્રણેય આરોપીઓને સજા સંભળાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગત વર્ષે મોરબીમાં પોશ વિસ્તારમાં રહેતી સગીરાને મોરબીના એક શખ્સે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ નાણાંની માંગણી કરી પોતાના અન્ય મિત્ર સાથે દોસ્તી કરવા દબાણ કરાયું હતું. અન્ય શખ્સ અને તેના મિત્ર સહિત બંનેએ પણ સગીરાને ભોળવી બિભત્સ ફોટા વિડીયો મેળવી લીધા હતા. બાદમાં સગીરાને બદનામ કરવાની ધમકી આપી ત્રણેય લુખ્ખાઓએ દુષ્કર્મ આચર્યું હતું.
સગીરા પાસેથી કટકે કટકે નાણાં પણ પડાવી લેતા અંતે આરોપીઓનો ત્રાસ સહન ન થતાં સગીરાએ તેના પરિવારજનોને જાણ કરી હતી. જેને લઇ પરિવારજનોએ હિંમત આપતા ત્રણેય ઇસમો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે કેસનો ચુકાદો આવ્યો છે. સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલોને અંતે મોરબી પોકસો કોર્ટે આરોપી મિત ચંદુભાઈ સિરોહિયાને જાતીય ગુનામાં સાત વર્ષની અને પોકસો એક્ટ હેઠળ ત્રણ વર્ષની સજા ફટકારી છે. તેમજ હર્ષ ઉર્ફે જીગો કાંતિભાઈ સાણંદિયાને પોક્સો એક્ટ હેઠળ દસ વર્ષની અને આર્યન શબ્બિરભાઇ સોલંકીને વીસ વર્ષની સજા ફટકારાઈ છે.