મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર આવેલ શક્તિ ટાઉનશીપની સામે ભાડે ઓરડીમાં રહેતા નેપાળી શખ્સે તેના નેપાળી મિત્રને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા જે રૂપિયા પરત માંગતા નેપાળી મિત્ર સહીત ત્રણ શખ્સો દ્વારા યુવકની ઓરડીએ જઈ બોલાચાલી કરી ઢીકાપાટુ તથા ઓરડીમાં રાખેલ કોઈ મૂર્તિ માથાના ભાગે મારતા માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી, હાલ યુવકને પ્રથમ મોરબી સિવિલ બાદ વધુ સારવારમાં રાજકોટ રીફર કરવામાં આવેલ છે. સમગ્ર બનેલ બનાવ બાબતે નેપાળી યુવકની માતા દ્વારા આરોપી ત્રણેય નેપાળી શખ્સો સામે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ત્રણેય નેપાળી શખ્સો વિરુદ્ધ ઇ.પી.કો કલમ- 323,325,326,504, 114 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે
મળતી માહિતી અનુસાર મૂળ નેપાળના વતની અને હાલ રવાપર-ધુનડા રોડ ઉપર આવેલ શક્તિ ટાઉનશીપની સામે વાસુરભાઈ જારીયાની ઓરડીમાં ભાડે રહેતા દુર્ગાબેન કેસેભાઇ રતીભાઇ બીકે ઉવ.55 એ આરોપી રતન રામબહાદુર થારૂ રહે. રવાપર રોડ લોટસ સોસાયટીની સામે ઓરડીમાં મોરબી, માનબહાદુર પદમબહાદુર વિશ્વકર્મા રહે. રવાપર રોડ લોટસ સોસાયટીની સામે ઓરડીમાં મોરબી, કમલ થારૂ વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરીયાદી દુર્ગાબેનના દિકરા પ્રકાશે આરોપી રતન થારુને હાથ ઉછીના રૂ.5000/- આપેલા હોય જે પૈસા પ્રકાશે આરોપી પાસે પરત માંગતા જે બાબતે આરોપી રતનને સારૂ લાગ્યું ન હતું. ત્યારે ગત તા. 15 નવેમ્બરના રોજ આરોપી રતન તથા અન્ય બે શખ્સો દુર્ગાબેન અને તેની દીકરી બજારમાં ખરીદી કરવા ગયા હોય ત્યારે તેમની ઓરડીએ(ઘરે) આવી દુર્ગાબેનના દીકરા પ્રકાશ સાથે પરત માંગેલ પૈસા બાબતે બોલાચાલી કરી ગાળો આપી ત્રણેય આરોપીએ એકસંપ કરી પ્રકાશને માથાના ભાગે મુર્તિ મારતા માથાના ભાગે ગંભીર ઇજા કરેલ તેમજ શરીરે ઢીકાપાટુનો મુઢમાર અને ઓરડીમાં પડેલ માટલા વડે હાથમાં તથા પગમા મારતા હાથમાં ફેકચર જેવી ઇજા કરી ત્રણેય આરોપી જતા રહ્યા હતા.
બીજીબાજુ દુર્ગાબેન પોતાની ઓરડીએ પરત આવતા જ્યાં તેમનો પુત્ર લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો જેને પ્રથમ 108 મારફત મોરબી સિવિલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિ. રીફર કરવામાં આવેલ છે. હાલ દુર્ગાબેન દ્વારા સમગ્ર બનાવ બાબતે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.