ટ્રાયલમાં લઈ આવેલી કારમાં ટંકારા આવતી વેળાએ થાંભલા સાથે અથડાતા કોન્ટ્રાકટરને કાળ ભેટ્યો
અબતક-રાજકોટ
મોરબી-રાજપર રોડ પર બુધવારે રાત્રિના સમયે થોરાળા ગામના પાટિયા પાસે એક કાર થાંભલા સાથે અથડાતા દંપતી સહિત ત્રણના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ત્રણેયના મૃતદેહ મોરબી હોસ્પિટલ ખાતે લાવી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ટંકારામાં રહેતા અને ચાચાપર પાસ આવેલી પોલીપેકની ફેક્ટરીમાં મજૂરનો કોન્ટ્રાક્ટ રાખતો બિહારનો રંજય કુમાર બેચનભાઈ મેહતા અને સાહેબલાલ શ્રીરામ બહાદુર યાદવ તેમજ તેમની સાથે રહેતા ઇન્દોરવતી કુમારી ગંગારામ પંડિત બુધવારે સાંજે ફેક્ટરીએ ગયા બાદ રાત્રિના એસન્ટ કાર જીજે-૦૩-સીએ-૪૮૧૪માં બેસીને પરત ટંકારા તરફ આવી રહ્યા હતા ત્યારે ૧૦:૩૦ કલાક આસપાસ થોરાળા ગામના પાટિયા પાસે હનુમાનજી મંદિર નજીક એક થાંભલા સાથે કાર અથડાઇ હતી અને તેમાં બેઠેલા કોન્ટ્રાક્ટર સહિત ત્રણેયના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.
મૃતક રંજય યાદવને કાર લેવી હોય જેના માટે તે થોડા દિવસ અગાઉ જ આ કાર ટ્રાયલ માટે લઈ આવ્યો હોય અને તેમાં જ તેને અને અન્ય બે વ્યક્તિઓને કાળ ભેટતા પરિવારમાં પણ આક્રંદ છવાયો છે.
આ ઘટના અંગે પોલીપેક ફેક્ટરીના માલિકને જાણ થતાં તેઓ પણ મોરબી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને રંજય તેમને ત્યાં મજૂરના કોન્ટ્રાક્ટર તરીકે અવાર-નવાર આવતો હોવાનું જણાવ્યું હતું. મોરબી તાલુકા પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે, થાંભલા સાથે કાર કેવી રીતે અથડાઇ તે અંગે હજુ સુધી કોઇ વિગતો સ્પષ્ટ થઇ નથી પરંતુ વણાંકના કારણે અકસ્માત થયાનું પ્રાથમિક દૃષ્ટિએ બહાર આવ્યું છે. અકસ્માતમાં ભોગ બનેલું દંપતી ઝારખંડનું હોવાની વિગતો પણ પોલીસને મળી છે.