કુટુંબી સાળા સહિત બે શખ્સોએ અપહરણ કરી માર માર્યો: પોલીસમાં અરજી કરતા વધુ ધમકાવ્યો
મોરબીના રવાપર રોડ પર રહેતા અને ટાઇલ્સનું માકેર્ટીંગનું કામ કરતા સતવારા યુવાનને કુટુંબી સાળા સહિત બે શખ્સો પાસેથી લગ્ન માટે અને ધંધા માટે રૂા.23 લાખ વ્યાજે લીધા બાદ માર મારી પઠાણી ઉઘરાણી કરતા યુવાને પોલીસમાં લેખિત અરજી આપતા બંને શખ્સોએ પોલીસના ડર વિના ફરી ધમકાવવાનું શરૂ કરતા વ્યાજખોરોના ત્રાસથી સતવારા યુવાન પોતાની પત્ની અને દોઢ વર્ષના પુત્રને મોરબી છોડી છેલ્લા છ માસથી હિજરત કરી રાજકોટ સ્થાયી થયા બાદ પોલીસે બંને વ્યાજના ધંધાર્થી સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર રહેતા નિતિનભાઇ ભગવાનજીભાઇ ડાભી નામના 30 વર્ષના સતવારા યુવાને એકાદ વર્ષ પહેલાં પોતાના કુટુંબી સાળા વિમલ નટુ પરમાર પાસેથી રૂા.18.50 લાખ અને ભોલુ જારીયા પાસેથી રૂા.4.50 લાખ દર આઠ દિવસે વિમલ પરમારને દર આઠ દિવસે રૂા.18,500 અને ભોલુ બોરીચાને રૂા.4,500 વ્યાજ ચુકવતો હોવા છતાં બંને દ્વારા ધાક ધમકી દઇ માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નિતિન ડાભીના લગ્ન હોવાથી અને ટાઇલ્સના ધંધા માટે બંને પાસેથી રૂા.23 લાખ વ્યાજે લીધા હતા. બંનેને છેલ્લા છ માસ સુધી નિયમીત વ્યાજ ચુકવ્યું હતું. ધંધો બરોબર ન ચાલતા વ્યાજ ન ચુકવી શકયો હોવાથી વિમલ પરમાર અને ભોલુ જારીયાથી બચીને મોરબી અને રાજકોટમાં રહેતો હતો દરમિયાન 22 નવેમ્બરે નિતિન ડાભીની કુટુંબી સાળીના લગ્નમાં જવાનું થતા ત્યાં વિમલ પરમાર મળ્યો હતો. તેને ભોલુ જારીયાની મદદથી કારમાં અપહરણ કરી પટ્ટાથી માર માર્યો હોવાથી સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ પોલીસે નિતિન ડાભીની ફરિયાદ નોંધી ન હતી.
નિતિન ડાભીને હોસ્પિટલમાંથી રજા અપાતા તે મોરબી ગયો ત્યારે ફરી બંને શખ્સોએ ‘તારે જેટલી ફરિયાદ કરવી હોય એટલી કરે તારી પાસેથી વ્યાજ સહિતની રકમ વસુલ કરવામાં આવશે’ તેવી ધમકી દેતા બંનેના ડરના કારણે છેલ્લા છ માસથી નિતિન ડાભી રાજકોટ પોતાના મિત્રને ત્યાં રહેવા આવી ગયો હોવાનું જણાવ્યું હતું. હાલ મોરબીમાં નિતિન ડાભીની પત્ની, દોઢ વર્ષનો પુત્ર, માતા અને પિતા રહે છે તેઓને પણ બંને વ્યાજના ધંધાર્થીઓ ત્રાસ દેતા હોવાનું નિતિન ડાભીએ આક્ષેપ કર્યો છે. પોલીસે નિતિન ડાભીની ફરિયાદ પરથી બંને શખ્સો સામે બળજબરીથી પૈસા કઢાવવા અંગેનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.