મોરબીમાં પ્રમુખ પદ મેળવવા કોંગ્રેસ ભાજપ વચ્ચે ખેંચતાણ : વાંકાનેરમાં ભાજપ નક્કી
રાજ્ય સરકાર દ્વારા નગર – મહાનગર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ પદની મુદત અઢી વર્ષની કરી નાખી ૨૨ જૂન સુધીમાં નવા પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી યોજવા જાહેરાત કરતા વાંકાનેરમાં ૧૩ મી અને મોરબીપાલિકામાં ૧૪ મીએ પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે.
પ્રાપ્ત વિગતો મુજબ ચૂંટણી તંત્ર દ્વારા મોરબી અને વાંકાનેર પાલિકાના પ્રમુખ – ઉપપ્રમુખપદ માટેની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે જે અન્વયે ૧૩ મીએ વાંકાનેર પાલિકા અને ૧૪ મીએ મોરબી નગરપાલિકાના પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાશે.
ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ જનાદેશ મળવા છતાં બળવાખોરોને કારણે હાલમાં ભાજપ સતા સ્થાને છે ત્યારે આગામી ચૂંટણીમાં પ્રમુખ પદ મેળવવા બંને પક્ષોએ એડી ચોટીની તાકાત લગાવી છે, જો, કે વાંકાનેર પાલિકામાં ભાજપ પાસે બહુમતી હોય પ્રમુખ પદ ભાજપ પાસે જ રહે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
બીજી તરફ મોરબી પાલિકાના બળવાખોર સભ્યોને પક્ષાન્તર ધારા હેઠળ સસ્પેન્ડ કરાયા હોય સાત સભ્યોએ હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા છે, જેની સુનાવણી આગામી તા. ૧૧ મીએ હોય હાઇકોર્ટમાં આ મામલે કેવો નિર્ણય આવે છે તેના પર સઘળો દારોમદાર હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.