ઋષિ મહેતા મોરબી
મોરબીમાં જૂની અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બન્ને પક્ષે થયેલી સામસામી બબાલે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષે કુલ ત્રણ યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા અને આ મામલે સામસામી મોરબીના એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના મોરબીના સીપાઈવાસની છે જ્યાં ૩૧ માર્ચના રોજ જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હતો આ મામલે બન્ને ફરિયાદીએ સામસામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે પ્રથમ ફરિયાદ મુજબ મોરબી ગ્રીનચોક ભોંયવાડા ખાતે રહેતા અકબરભાઇ આલમભાઇ ખુરેશી નામના વૃદ્ધના ભાણેજ સલીમને મકબુલ યુનુશ ખુરેશી જે સિપાઈ વાસનો રહેવાસી છે તે ગાળો દેતો હોય જે અંગેનો ખાર રાખી ફરીયાદીના દિકરા મનસુર તથા અબ્બાસને સીપાઇવાસના નાકે રોડ પર ભેગો થતા આરોપીએ ફરીયાદીના દિકરા સાથે બોલાચાલી કરી ગાળો ભાંડીને આરોપીએ છરી વડે મનસુરને ગળા, છાતીમાં તથા વાંસામાં તથા ડાબા હાથે ઘા મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે મકબુલ યુનુશ ખુરેશી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
સામા પક્ષે નોંધાવેલ ફરિયાદ અનુસાર, મોરબીની સીપાઈવાસ જમાદાર શેરીમાં રહેતા મકબુલ યુનુશભાઇ કુરેશી નામના યુવકને ૩૧ માર્ચના રોજ ડો.સલીમ સાથે સામાન્ય બોલાચાલીનો ખાર રાખી અબ્બાસ અકબર કુરેશીએ ફરીયાદીને ફોન કરી તુ કયાં છો ? તેમ કહી ફરીયાદીએ સીપાઇ વાસના નાકે હોવાનુ જણાવતા અબ્બાસ અકબર કુરેશી અને મનસુર અકબર કુરેશી (રહે. બંન્ને મોરબી સીપાઇવાસ કાપડબજાર) નામના બે ભાઈઓએ લાડકાના ધોકા સાથે આવી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો ભાંડી માર મારતા ફરિયાદીને માથામાં તથા ડાબા પગમાં તથા છાતીના ભાગે સામાન્ય મુંઢ ઇજા કરી નાસી જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.