બે શખ્સને પકડી રૂ.૫૪.૪૩ લાખ રિકવર કરાયા
મોરબી પોલીસે જેતપર ગામના વેપારી હિરેન ચંદુભાઈ અઘારાને રિલાયન્સ પેટ્રોલપંપના નામે કરોડોની ઠગાઈ કરનારાઓને પોલીસે બિહાર જઈને છેતરપિંડી આચરનાર ટોળકીના બે શખ્સોને ઝડપી લીધા છે જયારે અન્ય ત્રણને પકડવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ મોરબીના જેતપર ગામના વેપારીને રિલાયન્સ પેટ્રોલપંપની ડિલરશીપ આપવાના બહાને રૂ.૧.૬૯ કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી જે મામલે મોરબી પોલીસે બિહાર જઈને આ ગુનાનો ભેદ ઉકેલીને બે શખ્સોને રૂ.૫૪.૪૩ લાખની રોકડ સાથે ઝડપી પાડયા છે.
ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલ અન્ય ત્રણ આરોપીને પકડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મોરબીના જેતપર ગામના વેપારી હિરેનભાઈ ચંદુભાઈ અઘારા રિલાયન્સ પેટ્રોલપંપની ડિલરશીપ મેળવવા માટે વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી હતી. આ વિગતો કયાંકથી મેળવીને ઠગ ટોળકીએ આ વેપારીને નિશાન બનાવીને તેને છેતરવાનો પ્લાન ઘડયો હતો. બાદમાં ઠગ ટોળકીએ વેપારીનો સંપર્ક સાધીને તેને વિશ્વાસમાં લઈને બેન્ક એકાઉન્ટમાં અલગ અલગ રકમ મેળવીને રૂ.૧.૬૯ કરોડ ઓળવ્યા હતા. બાદમાં વેપારીને છેતરપિંડી વિશે માલુમ પડતા તેને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના પગલે મોરબી પોલીસે બિહાર જઈને તપાસ હાથ ધરીને આ કામના આરોપી ગોપાલ મનોજસિંગ ભૂમિહાર અને વિપુલકુમાર રમોશ્રેયસિંગ ભૂમિહાર રહે.બન્ને વારસલીગંજ બિહાર વાળાઓને પકડી પાડયા છે. આ સાથે પોલીસે રોકડા રૂ.૫૪,૪૩,૦૦૦ તેમજ લેપટોપ, વિવિધ એટીએમ કાર્ડ, પાસબુક નંગ ૬, ચેકબુક નંગ ૨ મળીને કુલ રૂ.૫૪,૬૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે આ સાથે પ્રાથમિક પુછપરછમાં મોરબી પોલીસે આ ગુનામાં રોશનકુમાર રહે.ગંગાપુર બિહાર લલુંકુમાર સુલતાન મહતો રહે.ચકવાય બિહાર રીંકુદેવી કુમારઅજીત ભૂમિહાર રહે.વારસલીગંજ બિહારવાળાની સંડોવણી ખુલતા તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.