મોરબીના સાદુળકા અને ગોરખીજડિયા ગામની સીમમાંથી પસાર થતી મચ્છુ નદીમાથી ગેરકાયદે રેતી ચોરી કરતા ખનીજ માફીયા પર ખાણ ખનિજ વિભાગની ટીમે ખાનગી વાહનોમાં જઇ દરોડા પાડી આશરે ત્રણેક કરોડથી વધુના વાહનો જપ્ત કરી એક પેઢી સહિત 10 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવતા ખાણ-ખનીજ માફીયામાં ફફડાટ મચી જવા પામ્યો છે. વધુ તપાસ તાલુકા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ધમધમાટ આદર્યો છે.
ખાણ-ખનીજ વિભાગે દરોડો પાડી એક પેઢી સહિત 10 શખ્સો સામે કરી કાર્યવાહી
બે હિટાચી, છ ડમ્પર, બે ટ્રેક્ટર અને લોડર મળી રૂ.3 કરોડનો મુદ્ામાલ કબ્જે કર્યો
મળતી વિગત પ્રમાણે, મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેર, રવિભાઈ કણસાગરા, ગોપાલભાઈ ચંદારાણા, ગોપાલભાઈ સુવા અને મિતેશભાઈ ગોજીયાની ટીમે મોરબીના સાદુળકા અને ગોરખીજડિયા ગામની સીમમાંથી પસાર થતી મચ્છુ નદીમાં ગેરકાયદે રેતીનું ખનન થતું હોવાની મળેલી બાતમીના આધારે મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેર, રવિભાઈ કણસાગરા, ગોપાલભાઈ ચંદારાણા, ગોપાલભાઈ સુવા અને મિતેશભાઈ ગોજીયાની ટીમે ખાનગી વાહનોમાં દરોડા પાડી ગેરકાયદે રેતી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યો છે.
દરોડા દરમિયાન મળી આવેલા બે હિટાચી મશીન, એક લોડર, 6 ડમ્પર અને બે ટ્રેકટર મહેશભાઇ સોલંકી, નિર્મળસિંહ ઝાલા, પ્રદીપસિંહ ઝાલા, અરવિંદસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા, કાનાભાઇ ભરવાડ, કનુભાઇ, જગદીશભાઇ સોલંકી, મેઘરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા અને ભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઇઝના માલિકીના હોવાથી તેની સામે તાલુકા પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે અને આશરે રૂ.3 કરોડના વાહનો કબ્જે કરી ખનીજચોરો વિરુદ્ધ ખનીજ ચોરી મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.