મોરબીના યુવકે અન્ય જ્ઞાતિની છોકરી સાથે કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા બાદ યુવતીના પરિવારજનો અલગ જ્ઞાતિને કારણે રાજી ન હોય યુવતીને મોકલતા ન હોવાથી યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીના વાવડી રોડ ઉપર ઓમ શાંતિ પાર્કમાં રહેતા રાહુલભાઈ કિશોરભાઈ સોલંકી નામના યુવકે અગાઉ તેનાથી અલગ જ્ઞાતિની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પછી આ યુવક અને યુવતીએ છુપી રીતે કોર્ટમાં પ્રેમલગ્ન કરી લીધા હતા. પછી યુવાન યુવતીને તેના ઘરે મૂકી આવ્યો હતો. ત્યારે મૃતક યુવકને આશા હતી કે તેના સાસરિયા તેની પત્નીને રાજી ખુશીથી મોકલી દેશે. પરંતુ યુવતીના પરિવારજનોને પ્રેમલગ્નની ખબર પડતાં તેઓએ યુવતીને રાહુલના ઘરે મોકલવાનો સાફ ઇન્કાર કરી દઈ તેઓને યુવકની અલગ જ્ઞાતિ હોવાથી આ લગ્નથી રાજી ન હોવાનું જણાવ્યું હતું. જેથી યુવક દુ:ખમાં ગરકાવ થયો હતો અને તેણે આપઘાત કરી લીધો હતો. તેમજ આ સમગ્ર બાબતે યુવકે સ્યુસાઈડ નોટ પણ લખેલ છે જે પોલીસે કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.