મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ સર્વ પ્રથમ વખત કેદારકંઠા ખાતે ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી. અને દરિયાની સપાટીથી 12500 ફૂટ ઉપર આવેલી કેદારકંઠાની ટોચ ઉપર પહોંચી મોરબીનુ ગૌરવ વધાર્યું છે. પૌરાણિક કથાઓ સાથે કેદારકંઠાનો ઈતિહાસ જોડાયેલો છે. કેદારકંઠા ખાતે હનુમાનજી દાદાએ તપ કર્યું હતું અને મહાભારતના યુદ્ધમાં પાંડવો દ્વારા બ્રહ્મ હત્યા થઈ હતી.
જેના પ્રાયશ્ચિત માટે તેઓ ભગવાન શિવ પાસે ક્ષમા યાચના માંગવા માટે કેદારકંઠા આવ્યા હતાં. જ્યાં મોરબી જિલ્લાની પી.જી. પટેલ કોલેજ દ્વારા વિશેષ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પનો સમયગાળો 11 દિવસનો હતો. આ ટ્રેકિંગ કેમ્પ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓએ બરફ આચ્છાદિત દુગઁમ વિસ્તારોમાં ટ્રેકિંગ કરીને 12500 ફૂટની ઊંચાઈ સર કરી હતી અને ત્યાં ત્રિરંગો લહેરાવ્યો હતો.
આ કેમ્પમાં કોલેજના દિપ મણીયાર, દર્શીની મહેતા તથા નિશા વાઘડિયા વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. આ અભૂતપૂર્વ સાહસ બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ, સંસ્થાન આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર શિક્ષકગણોએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.