- હળવદના પ્રતાપગઢ અને જુના દેવળીયા ગામના તલાટી મંત્રી અને હળવદ તાલુકા વિકાસ અધિકારી લાંચ લેતા ઝડપાયા તા
મોરબી સ્પે. એસીબી કોર્ટના સ્પેશિયલ જજ દ્વારા સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકમાં નોંધાયેલા હળવદ તાલુકાના અલગ અલગ વર્ષના ત્રણ કેસના સરકારી લાંચીયા કર્મચારીઓને તપાસનીશ અધિકારી દ્વારા મેળવેલ પુરાવા તથા સરકારી વકીલની ધારદાર દલીલોને આધારે ત્રણેય આરોપીઓને સજા સંભળાવતો ચુકાદો આપી સમગ્ર મોરબી પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે.
મોરબી સ્પે.એસીબી કોર્ટમાં ચાલેલ પ્રથમ કેસના ચુકાદાની પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2008માં ફરિયાદી રમેશભાઈ પ્રેમજીભાઈ ફૂલતરીયા રહે.પ્રતાપગઢ તા.હળવદને મયુરનગરમાં આવેલ પોયણી ખેતીની જમીનનો દાખલો કાઢી આપવા મામલે તલાટી કમ મંત્રી ચીમનલાલ હીરાભાઈ દસાડિયાએ 500 રૂપિયાની લાંચ માંગતા રમેશભાઈ દ્વારા એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી જેથી સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ એમ.જે.ડાભીની ટીમે છટકું ગોઠવી આરોપી તલાટી કમ મંત્રી ચીમનલાલ દસાડિયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.જે ગુન્હાની તપાસ કરનાર એસીબી પીઆઈ ડી.બી.ઝાલા ભુજ કચ્છનાઓએ સર્વગ્રાહી પુરાવા મેળવી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ ત્યારે આ અંગેનો કેસ મોરબી સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધની સ્પે.એસીબી કોર્ટમાં ચાલી જતા તપાસનીશ અધિકારીએ તપાસ દરમિયાન મેળવેલ 7 મૌખિક અને 25 દસ્તાવેજી પુરાવા તથા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની દલીલો ધ્યાને લઈ સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ દ્વારા આરોપી તલાટી કમ મંત્રી ચીમનલાલ હીરાભાઈ દસાડિયાને 4 વર્ષની કેદ અને રૂપિયા 20 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.
લાંચના બીજા કેસની વિગત મુજબ વર્ષ 2009 માં હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા વિપુલભાઈ રાજેન્દ્રભાઇ ભોરણીયાએ વારસાઈ એન્ટ્રી કરાવવા જતા તલાટી કમ મંત્રી જગદીશભાઈ નવનીતભાઈ ભટ્ટે રૂપિયા 14 હજારની લાંચ માંગી બાદમાં સમગ્ર વહીવટ રૂપિયા 12 હજારમાં નક્કી કરાયા બાદ પ્રથમ લાંચ પેટે 6 હજાર આપી જવા વાયદો કરેલ જેથી ફરિયાદીની ફરિયાદના આધારે એસિબી પીઆઈ કે.બી ઝાલા સીબીઆઇ ફિલ્ડ રાજકોટનાઓએ છટકું ગોઠવી આરોપી તલાટી કમ મંત્રી જગદીશભાઈ ભટ્ટ રૂ.6000 ગેરકાયદેસર લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. જે ગુન્હાની તપાસ એસિબિ પીઆઈ પી.એમ.સરવૈયા એસીબિ સુરેન્દ્રનગરનાઓએ સર્વગ્રાહી પુરાવાઓ મેળવી કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતું.આ અંગેનો કેસ મોરબી સ્પે.એસીબી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની દલીલો તથા 6 મૌખિક અને 33 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ મોરબી સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધ દ્વારા આરોપી જગદીશભાઈ નવનીતભાઈ ભટ્ટને 4 વર્ષની કેદ અને 20 હજારનો દંડની સજાનો આદેશ કરવામાં આવ્યો હતો.
જયારે ત્રીજા કેસમાં વર્ષ 2013માં હળવદ ટાઉનમાં રહેતા આશિષકુમાર રામભાઈ પટેલને હળવદ તાલુકા પંચાયતમાં ઝેરોક્ષનો કોન્ટ્રાકટ મળ્યા બાદ કોન્ટ્રાકટ પૂરો થતા ડિપોઝીટની રકમ પરત મેળવવા ટીડીઓ પાસે જતા જ્યાં ફરજ પાર હાજર ટીડીઓ મુકુન્દરાય લક્ષ્મીશંકર પાણેરી રહે.રાજકોટ વાળાએ રૂપિયા 2 હજારની લંચ માંગતા આશિષકુમારે એસીબીમાં ફરિયાદ કર્યા બાદ સુરેન્દ્રનગર એસીબી પીઆઈ કે.બી. ચુડાસમાની ટીમે ગોઠવેલી ટ્રેપમાં આરોપી મુકુન્દરાય પાણેરી રંગેહાથ ઝડપાઇ જતા. જે ગુન્હાની તપાસ એસીબી પીઆઈ એચ.પી.દોશી એસીબી ફિલ્ડ રાજકોટના ઓએ સર્વગ્રાહી પુરાવાઓ મેળવી કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતું.આ કેસ મોરબી સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે 6 મૌખિક અને 18 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ તેમજ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની દલીલોને ગ્રાહ્ય રાખી બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધસાહેબ દ્વારા લાંચીયા આરોપી મુકુન્દરાય લક્ષ્મીશંકર પાણેરીને 4 વર્ષની કેદ અને રૂપિયા 20 હજારનો દંડની સજાનો આદેશ જારી કર્યો હતો.