નશાની હાલતમાં ઝઘડો કરી પુત્રએ દસ્તા વડે માર મારતા વૃદ્ધાને હોસ્પિટલ ખસેડાયા
મોરબીના શકત સનાળામાં નશાખોર પુત્રએ જનેતાને દસ્તા વડે માર માર્યો હતો. નસેડી પુત્ર છેલ્લા ચાર વર્ષથી ત્રાસ ગુજારતો હોવાના આક્ષેપ સાથે વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના શકત સનાળામાં રહેતા રંજનબા પ્રવિણસિંહ જાડેજા નામના 65 વર્ષના વૃદ્ધા સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે પુત્ર ભાગીરથસિંહ જાડેજાએ ઝઘડો કરી દસ્તા વડે માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધાની સારવાર નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરતા મોરબી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જનેતાને માર મારનાર ભગીરથસિંહના છૂટાછેડા થઈ ગયા છે અને તે દારૂ પીવાની ટેવ ધરાવે છે અને છેલ્લા ચાર વર્ષથી માતા-પિતાને ત્રાસ આપી માર મારે છે.
ગઈકાલે ભગીરથસિંહે માતા રંજનબા સાથે ઝઘડો કરી દસ્તા વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે રંજનબા જાડેજાને સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.