તસ્કરોએ મંદિરના તાળા તોડી પ્રતિમા પર રહેલા સોના-ચાંદીના આભુષણો ઉઠાવી ગયા
મોરબીમાં મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં તસ્કરોએ હાથફેરો કરી રૂ.૧.૪૦ લાખની ચોરી કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. તસ્કરોએ મંદિરના તાળા તોડી પ્રતિમા પર રહેલા આભુષણો ઉઠાવી જતાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં સરદાર બાગ પાછળ આવેલા શિવમ હાઇટસ્ બ્લોક -૫માં રહેતા દિનેશભાઈ મોતીલાલ ભોજાણી નામના ૭૦ વર્ષના વૃદ્ધે મોરબી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જણાવ્યા મુજબ મોરબીમાં મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. ગત તા.૨૮મી ડિસેમ્બરના રોજ પૂજારી દીપકભાઈ રામાનુજ મંદિરે ગયા ત્યારે મંદિરના દ્વાર પર લાગેલા તાળા તૂટેલા હતા. જેથી મંદિરમાં તપાસ કરતા માતાજીના રૂ.૧,૪૦,૦૦૦ના સોના અને ચાંદીના આભૂષણો કોઈ ચોરી કરી ગયાનું ધ્યાને આવ્યું હતું.
આ અંગે ઘટનાની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ વાળા સહિતના સ્ટાફે ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસનો દોર ચલાવ્યો છે.