મોરબી રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એકસપોર્ટ વિભાગમાં કામ કરતા અનુસૂચિત જાતિ સમાજના નિલેશભાઈ દલસાણીયાને પગારના બદલે માર મારી જોડું મોઢામાં લેવડાવવાના કેસમાં વિભૂતિ હિતેન્દ્રભાઈ સીતાપરા ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, ક્રિશ મેરજા, પ્રીત વડસોલા અને પરીક્ષિત ભગલાણી અને ડી.ડી.રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ સૌ પ્રથમ ડી.ડી.રબારી પોલીસના શરણે આવ્યા બાદ રાણીબા સહિતના ત્રણ આરોપીઓ અને આજે વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. આ તમામ છ આરોપીઓને મોરબી કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગ સાથે તપાસનિશ અધિકારી દ્વારા રજૂ કરાયા હતા.
પોલીસે તપાસ માટે 10 દિવસના રિમાંડની માંગણી કરતા અદાલતે ચાર દિવસના રિમાંડ મંજૂર કર્યા
મોરબી કોર્ટે સરકારી વકીલ તથા આરોપી પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો ધ્યાને લઇ કોર્ટે બન્ને પક્ષની દલીલો બાદ વિભૂતિ હિતેન્દ્રભાઈ સીતાપરા ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, ક્રિશ મેરજા, પ્રીત વડસોલા અને પરીક્ષિત ભગલાણી સહિત તમામ છ આરોપીઓને આગામી તા.1/12 ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.