મોરબીના લીલાપર ગામે મેલડી માતાજીના મંદિરમાં સોનાના છત્તરની ચોરી કરનાર ચોરને જોધપર(નદી) પાસેથી ઝડપી લઇ સઘન પૂછપરછ કરતા મોરબી જીલ્લા સહિત અલગ અલગ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ-10 મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત આપતા, ઇસમને પકડી પાડી મંદિર ચોરીનો ભેદ ઉકેલી પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
દિલ્હીના શખ્સની મદદથી ગુગલ મેપ એપ્લીકેશનમાં મંદિરો સર્ચ કરી ચોરીને અંજામ આપતો
મોરબી તાલુકા પોલીસના પીએસઆઇ વી.જી.જેઠવા સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના લીલાપર ગામ, મેલડી માતાજીના મંદિરમાંથી સોનાના છત્તર નંગ-02 ની ચોરી થયેલ હોય જે અનુસંધાને વોચ તપાસમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. રમેશભાઇ રાજાભાઇ મુંધવાને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકાના લીલાપર ગામે, મેલડી માતાજીના મંદિરમાં થયેલ છત્તર ચોરીનો આરોપી જોધપર(નદી) પાસેથી પસાર થવાનો હોય જે ખાનગી બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના મચ્છુ નદીના જોધપર (નદી) ગામ તરફના પુલના છેડે વોચ તપાસમાં હતા દરમ્યાન ઉપરોક્ત હકીકત વાળો ઇસમ લપાતો છુપાતો નીકળતા સાગરભાઇ ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ ઉવ.32, રહે. રાજકોટ, છોટુનગર હુડકો ચોકડી પાસે, પટેલપાન વાળી શેરીમાં, મુળ રહે. ગોંડલ, મોટી બજાર, સંગાણી શેરી, જી.રાજકોટને પકડી પાડી અંગ ઝડતીમાંથી પોતે ચોરીમાં મેળવેલ સોનાના છત્તર નંગ-02 સાથે મળી આવેલ હતો.
આથી આ બાબતે વધુ સઘન પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતો હોય તેમજ આ સિવાયની પણ બીજા મોરબી જીલ્લા સહીત અન્ય જીલ્લાના કુલ 10 મંદિરોમા ચોરીઓને અંજામ આપેલ હોવાનુ જણાવતા આરોપી ઇસમને ઉપરોકત ગુન્હાના કામે અટક કરી આગળની તપાસ પીએસઆઇ વી.જી.જેઠવા દ્વારા ચલાવી છે.
પકડાયેલ આરોપી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સિવાયના અન્ય ગુન્હામાં અન્ય આરોપી અભય ઉર્ફે શનિ ધીરૂભા ચૌહાણ ઉવ.27, રહે. રાજકોટ, હુડકો ચોકડી પાસે, છોટુનગર પાસે, રાજકોટ હાલ રહે. દિલ્હી વાળા સાથે મળી પ્રથમ ગુગલ મેપ એપ્લીકેશનમાં અલગ-અલગ મંદિરો સર્ચ કરી તેમાં આભુષણો ચકાસી દિવસ દરમ્યાન તે મંદિરે પ્રસાદી, નાળીયેર, અગરબત્તી વિગેરે સાથે માનતા કરવાના બહાને જઇ માણસોની ગેરહાજરીનો લાભ લઇ ચોરીના કામને અંજામ આપતા હતા.