પુત્રની નજર સામે જ પિતાની હત્યા: ફળસરના શખ્સ સામે નોંધાતો ખૂનનો ગુનો
મોરબી પાસે વાવડી રોડ પર પખવાડિયા પહેલા જમીનના વિવાદના કારણે પ્રૌઢને કાર નીચે કચડી નાખતા તેઓએ સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો છે. પુત્રની નજર સામે જ પિતાને મોતને ઘાટ ઉતારનાર ફળસરના શખ્સ સામે ખૂનનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જોડીયા તાલુકાના તારાણા ગામે રહેતા અને ખેતીકામ કરતા હમીરભાઇ મેપાભાઈ પીઠમલ નામના ૪૮ વર્ષીય આધેડ અને તેના પુત્ર કાનાભાઈ પીઠમલ (ઉ.વ.૨૨) બંને મોરબી વાવડી પાસે લીધેલી જમીનનાં વિવાદના કારણે ફળસર ગામના કાના ડાયા કુંભારવાડિયા નામના શખ્સે કાર ચડાવી પ્રૌઢને મોતને ઘાટ ઉતારતાં ચકચાર મચી જવા પામી છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સ્ટાફે ઘટનાની નોંધ કરી મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૃતક હમીરભાઇના પુત્ર કાનાભાઈ મોરબીમાં નોકરી કરતા હોય જેથી ત્યાં સેટલ થવા માટે વાવડી પાસે બે માસ પ્લોટ લીધો હતો.
પ્લોટ લીધા બાદ ફળસર ગામના કાના કુંભારવાડિયા પ્લોટ પર કબજો મેળવવા માટે હમીરભાઇ સાથે અવારનવાર માથાકૂટ કરતા હતો. જેમાં ગત તા.૧૪મી ડીસેમ્બરના રોજ હમીરભાઇ અને તેના પુત્ર કાનાભાઈ મોરબી ખાતે આવેલા વાવડી પાસે પોતાના પ્લોટ પર ગયા હતા. જ્યાં સામેવાળા કાના કુંભારવાડિયા ત્યાં જે.સી.બી.સાથે ધસી આવ્યો હતો અને પ્લોટની ફેનસિંગ પર જેસીબી ફેરવી દીધું હતું.
આ માથાકૂટ બાદ હમીરભાઇ અને તેના પુત્ર કાનાભાઈ પોતાના સ્કૂટર પર તારાણા ગામે જઈ રહ્યા હતા. ત્યારે વાવડી પાસે જ કાના કુંભારવાડિયાએ રસ્તામાં પોતાની કાર પિતા-પુત્રના સ્કૂટર પર ચડાવી દીધી હતી. જેથી ઢળી પડેલા સ્કૂટર પર આરોપીએ ફરી એકવાર કાર રિવેસ લઈને ચડાવી દઇ નાસી ગયો હતો.
જેના કારણે ઘવાયેલા પિતા અને પુત્રને સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હમીરભાઈએ સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેથી પોલીસે ફળસરના શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.