- માર મારતી વેળા ખંડણીખોરનું એકટીવા પડી જતા તેની નુક્સાનીના પૈસા પ્રૌઢ પાસેથી પડાવ્યા
મોરબી જીલ્લા અને શહેરમાં અસામાજિક લુખ્ખા તત્વોમાં કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેવો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના લુવાણાપરા શેરી નં.3 માં શાકભાજીની લારીએ દહાડીનું કામ કરતા પ્રૌઢ પાસે ખંડણી માંગી જે ન આપતા ખંડણીખોર દ્વારા પ્રૌઢને છરી બતાવી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી દઈ લારીના-ગલ્લામાંથી રૂ.15 હજાર બળજબરીપૂર્વક લઇ લીધા હતા.
સમગ્ર બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના વજેપર શેરી નં.3માં રહેતા દિપકભાઈ ગોવિંદભાઈ કંઝારીયા ઉવ.52 એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી હુશેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઇ સિપાઇ રહે-સિપાઇવાસ મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે દીપકભાઈ રોજના રૂ.500 લેખે નિલેશભાઈ નામના વેપારીની શાકભાજીની લારી મોરબી શાકમાર્કેટ પાછળ આવેલ લુવાણાપરા શેરી નં.3માં ઉભી રાખી નિલેશભાઈ વતી શાકભાજીનો છૂટક અને જથ્થાબંધ વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય ત્યારે ગત તા.06/05 ના રોજ દીપકભાઈ પોતાના નિત્યક્રમ અનુસાર લુવાણાપરા શેર નં 3 માં પોતાના હવાલવાળી શાકભાજીની લારી લઈને ઉભા હોય ત્યારે આરોપીહુશેન ઉર્ફે ઢીંગલી પોતાનું મેટ બ્લેક કલરનું એકટીવા લઈને દીપકભાઈને ધંધાના સ્થળે આવી તેમની પાસે રૂ.200/-ની માંગણી કરી હતી. ત્યારે દીપકભાઈએ આરોપીને પૂછ્યું કે મારે ક્યાં કારણોસર રૂપિયા આપવાના? તેમ કહી દીપકભાઈએ રૂપિયા આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાયેલ આરોપીએ દીપકભાઈને જેમફાવે તેવી ભુંડી ગાળો બોલી ઝપાઝપી કરી દીપકભાઈને ઢીકાપાટુનો માર મારી આરોપીએ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી દીપકભાઈને કહ્યું કે ’ આ છરીનો પેટમા એક ઘા મારી આંતરડા બહાર કાઢી નાખીસ..’ તેમ કહી મારી નાખવાનો ભય બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી દીપકભાઈની લારીના થળામાં વેપારના આશરે રૂ.15,000/- પડેલ જે બળજબરીપુર્વક લઇ લીધા હતા.
દીપકભાઈ સાથે ઝપાઝપી તથા માર મારતા સમયે આરોપી હુશેન ઉર્ફે ઢીંગલીના એકટીવાને ધક્કો લગતા એકટીવા નીચે પડી ગયું હતું જે એકટીવામાં જે નુકસાની થશે તેનો શોરૂમે જઈ અંદાજીત ખર્ચ પેટના વધારાના રૂ.10,000 દીપકભાઈ પાસેથી તેના સગા મારફત મંગાવી પડાવી લીધા હતા. ત્યારે સમગ્ર બનાવ મામલે એકદમ ડરી ગયેલ દીપકભાઈએ મોરબી સીટી એ ડિવિઝનમાં આરોપી હુસેન ઉર્ફે ઢીંગલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ 386, 323, 504,506 તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.