કેસરબાગ ખાતે યંગઇન્ડિયા ગ્રુપ આયોજિત રાસોત્સવમાં બહેનો મનભરીને ગરબે ઘૂમી
મોરબી સીટી એ – ડિવિઝન, બી- ડિવિઝન, તાલુકા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો
જ્યપાર્વતીના જાગરણ નિમીતે ગતરાત્રીના મોરબીમાં જાણે સૂરજ ઉગ્યો હોય તેવા માહોલ વચ્ચે ચાંપાતો પોલીસ બંદોબસ્ત ગોઠવાતા બહેનોએ પરિવાર સાથે શાંતિપૂર્ણ રીતે આનંદ માણ્યો હતો, જો કે જાગરણની રાત્રે ઉજાગર કરવા નીકળેલા અનેક રોડ રોમિયો પોલીસની ઝપટે ચડતા જાહેરમાં કુકડા બનાવી રોમિયોગીરીનું ભૂત ઉતારી નાખવામાં આવ્યું હતું.
જ્યપાર્વતીના જાગરણની કારણે ગઈકાલે મોરબીમાં અનેક વિધ આયોજનો વચ્ચે નગરપાલિકા અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સામાંકાઠે કેસરબાગમાં બહેનો માટે રાસોત્સવનું આયોજન કરાતા મોટીસંખ્યામાં બહેનોએ સવાર સુધી ગરબા લેવાનો આંનદ માણ્યો હતો.
આ ઉપરાંત મોરબીના મયૂરપુલ, પાડાપૂલ, રવાપર રોડ, સ્કાયમોલ, સનાળા રોડ, ભક્તિનગર સર્કલ વગેરે સ્થળોએ પણ ભારે ભીડ જોવા મળી હતી.
દરમિયાન મોરબી જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા પોલીસવડા દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવતા ડીવાયએસપી, એ ડિવિઝન, બી – ડીવીઝન, અને તાલુકા પોલીસે સઘન વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવી રાત્રે ઉજાગર કરવા નીકળેલા ખાટ સવાદીયા ૧૫ રોમિયોને ઝડપી લઈ ઉઠક બેઠક કરાવી કુકડા બનાવ્યા હતા.
આમ, પોલીસની સજાગતાને કારણે બહેનો જ્યપાર્વતીનું જાગરણ આનંદ પૂર્વક કરી શકી હતી.