ધાક ધમકી દઇ વ્યાજના ધંધાર્થીઓએ ખેતીની જમીન, રિક્ષા, કાર અને બાઇક પડાવી લીધા: મોરબી, ટંકારા, હળવદ અને માળીયામાં 14 ફરિયાદ નોંધાઇ
રાજયભરમાં વ્યાજના ધંધાર્થી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા શરુ કરાયેલી કાર્યવાહી અંતર્ગત મોરબી, માળીયા, હળવદ અને ટંકારાના 27 વ્યાજના ધંધાર્થીઓ સામે 14 ગુના પોલીસમાં નોંધાયા છે. વ્યાજખોરો દ્વારા ધાક ધમકી દઇ ખેતીની જમીન, રિક્ષા, કાર અને બાઇક પડાવી લીધાના ફરિયાદમાં આક્ષેપ કરાયા છે.
હળવદના રાણપર વિસ્તારમાં રહેતા અમનભાઇ ઇશ્ર્વરભાઇ પ્રજાપતિએ કવાડીયા ગામના ભરત રાણા રબારી પાસેથી રુા.4 લાખ વ્યાજે લીધા હતા. અત્યાર સુધીમાં રુા.7.10 લાખ ચુકવી દીધા હોવા છતાં રુ2. લાખ અને છ માસનું વ્યાજ બાકી હોવાનું વધુ વ્યાજ વસુલ કરવા રુા.8.30 લાખની કાર પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
હળવદના રિટાબેન અશ્ર્વિનભાઇ રાઠોડે તેના જ ગામના બટકુ બાબુ ઠાકર પાસેથી રુા.50 હજાર વ્યાજે લીધા હતા. જે પેટે રુા.56 હજાર ચુકવી દીધા હોવા છતાં મુળ રકમની માગણી કરી રુા. 1.50 લાખની કિંમતન ી રિક્ષા બળજબરીથી પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
માળીયા મિયાણાના નાની બરાર ગામના રાજેશ શામજી જોટાણીયાએ ખાખરાળાના જીતુ આયદાન ગજીયા અને કુલદિપ દરબાર પાસેથી રુા.3.51 લાખ વ્યાજે લીધા હતા. જે પેટે રુા.19.60ની માગણી કરી ખેતીની જમીન પચાવી પાડવા ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ટંકારાના ઉમિયાનગરમાં રહેતા કાંતિલાલ દેવશી પટેલે મોરબી તાલુકાના ફડસર ગામના મહેશ બોરીચા અને વિરમ નાગદાન સોઢીયા પાસેથી રુા.7.30 લાખ માસિક 5 ટકા વ્યાજે લીધા હતા. જે પેટે રુા.4.50 લાખ ચુકવી દીધા હોવા છતાં રુા. 12 લાખ વધુ વ્યાજની માગણી કરી ખેતીની જમીન લખાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના ધરમપુર રોડ પર રહેતા ઇકબાલ કરીમ સંધીએ પ્રતિક દશરથ ડાયમા પાસેથી રુા.5 લાખ માસિક 10 ટકા વ્યાજે લીધા હતા. જે પટેલે રુા.5.50 લાખ આપી દીધા હોવા છતાં પ્રતિક ડાયમાએ વધુ વ્યાજની માગણી કરી અલ્ટ્રો કાર પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી એસપી કચેરી ખાતે ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમા રેન્જ આઈજી અશોક યાદવ તેમજ એસપી રાહુલ ત્રિપાઠી સાથે મોરબી સીરામીક એસોસીએસનના હોદેદારો સાથે સાથે પેપરમીલ એસોસીએસન, પેકેજીંગ એસોસીએસન, મીઠા ઉઘોઁગ એસોસીએસન તેમજ ટ્રાન્સપોર્ટર એસોસીએસનના હોદેદારો સાથે મીટીંગ યોજાઈ જેમા ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારમા થતી લુટફાટ, ચોરીને અટકાવવા ઔદ્યોગિક વિસ્તારમાં ચેક પોસ્ટ અને પેટ્રોલીંગ ચાલુ કરાવવા બાબતે રજુઆતો કરવામાં આવી તેમજ ફરજિયાત પોલીસ સ્ટેશનોમાં મજુરોના રજીસ્ટ્રેશન કરાવવુ જેથી ક્રાઈમમાં ઘટાડો થાય અને વેપારમાં થતા વિવિધ પ્રકારના ફ્રોડ માટે એસઆઈટી ની રચના કરવા માટે ચર્ચાઓ થઈ તેમજ માટીની ટ્રકો દૃારા જ્યા ત્યા થતા માટીના ઢગલાઓ અટકાવવા બાબતે ચર્ચાઓ થઈ હતી.
સિરામીક ઉદ્યોગના વેપારી સાથે થતી ઠગાઇના બનાવ અટકાવાશે: આઇજી અશોકકુમાર યાદવ
રાજયમાં વ્યાજના ધંધાર્થી સામે પોલીસ દ્વારા શરુ કરાયેલી કડક કાર્યવાહી દરમિયાન મોરબીના સિરામીક ઉદ્યોગના વેપારીઓ સાથે ગુજરાત બહારના રાજયના વેપારીઓ માલ મગાવી પેમેન્ટ ન કરી છેતરપિંડી કરતા હોય છે. તે અંગે સિરામીક ઉદ્યોગના વેપારીઓ ફરી રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવને રુબરુ મળી રજુઆત કરતા છેતરપિંડીના ગુના અટકાવવા ઉદ્યોગપતિઓને કેટલીક સલાહ અને સુચન કર્યા તેમજ પોલીસ દ્વારા આવા ગુનામાં અસરકારક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.