ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં દિવંગતોના મોક્ષાર્થ ‘માનસ શ્રધ્ધાજંલિ’ રામકથાનો આજે ત્રીજો દિવસ
મોરબીમાં ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં દિવંગતોના મોક્ષાર્થે મોરબીના નાની વાવડી, કબીરધામ ખાતે યોજવામાં આવેલ પૂજ્ય મોરારીબાપુના સ્વમુખેથી રામકથાનો ત્રીજો દિવસ સંપન્ન થયો. ત્રીજા દિવસની કથામાં પૂજ્ય મોરારીબાપુએ રામ ચરિત માનસનો પરિચય, મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પ્રજાપતિ સમાજના વ્યક્તિએ પત્ર દ્વારા પૂછવામાં આવેલ સવાલો, ગોંડલ ભગવત ગૌ મંડળ દ્વારા ‘અંજલિ’ શબ્દના જુદા જુદા અર્થ તેમજ પ્રયાગરાજના કુંભમેળામાં સરકાર દ્વારા અલગ એક મંચ મૂકી તેમના વિચારો મુકવાની રજૂઆત કરવાના વિષયો પર પૂજ્ય મોરારીબાપુ દ્વારા આજના ત્રીજા દિવસની રામકથા ગાઈ હતી.
મોરબી ખાતે યોજવામાં આવેલ રામકથામાં પૂજ્ય મોરારીબાપુ દ્વારા સૌપ્રથમ મોરબી તાલુકાના એક ગામમાંથી પ્રજાપતિ સમાજના વ્યક્તિએ પત્ર દ્વારા ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે અમારે ઘરે એક જ સમયે બે જગ્યાએથી આમંત્રણ આવે તો ક્યાં જગ્યાનું આમંત્રણ સ્વીકારવું? બીજો પ્રશ્ન હતો કે આમારે આંગણે સાધુ-સંતો આવે અને અમને વરદાન માંગવાનું કહે તો કેવા વરદાન માંગવા? અને ત્રીજો સવાલ હતો કે અમારે આંગણે સાધુ-સંત આવે તો આદર સત્કારમાં શું કરવું અને કેવી રીતે આદર સત્કાર કરવો?
ઉપરોક્ત પૂછવામાં આવેલા પ્રશ્નો વિષે પૂજ્ય મોરારીબાપુએ બહુ જ સુંદર જવાબો આપ્યા જેમાં તેમને જણાવ્યું કે આપણા ઘરે સાધુ-સંતો કે દેવતા કે એવા સત્પુરુષ કે જેમાં બ્રહ્મત્વ પ્રગટ્યું હોય, કે જેમાં સાધુતા ઠાંસી-ઠાંસીને ભરી હોય તે આવે કે પછી ગણેશ ચતુર્થીમાં ગણેશજી આવે કે દુર્ગાષ્ટમીમાં દુર્ગા માતાજી આવે તો તેમના આદર સત્કારની શાસ્ત્રમાં સાત પદ્ધતિ બતાવી છે. જે સાત પદ્ધતિમાં પ્રથમ સત્કાર આદરથી, એટલે કે (આંખોથી)આદર આપી સન્માન કરવું. જેમ કે આંખોની પાંપણોએ આસુના તોરણ લટકાળી સ્વાગત કરવું જોઈએ. બીજું દાન આપી જેમ કે હાર, ફૂલ, હાથોમાં હાથ આપી કે શાલ ઓઢાડી સન્માન આપવું જોઈએ ત્રીજું વિનયથી એટલે કે હૃદયથી ઉરની ઊર્મિઓથી સ્વાગત સત્કાર કરવો ચોથું બડાઈથી સાનમાં કરવું જેમાં ખોટી બડાઈ કે આપ બડાઈ નહિ પરંતુ યથા યોગ્ય બડાઈ કરી સત્કાર કરવો જોઈએ પાંચમું પૂજા કરી છઠું શીશ નાઈ એટલે કે શીશ ઝુકાવી તેમજ સાતમું ભાવથી સત્કાર કરવું જોઈએ.
બીજો પ્રશ્ન હતો કે એક જ સમયે બે જગ્યાએ આમંત્રણ આવે તો ક્યાં જવું ? તે પ્રશ્ન જવાબમાં પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું હતું કે જે માણસે હરિ ભજ્યો હોય અને જે માણસે સાધુનો સાથ રાખ્યો હોય તેવી વ્યક્તિ પાસે નિર્ણય પૂછવો. આ બીજા પ્રશ્નના જવાબમાં પૂજ્ય બાપુ દ્વારા ’મહાભારત’ ના દ્રષ્ટાંતની વાત કરી હતી જેમાં જયારે પાંડુરાજાએ નારદજીને બોલાવી કહ્યું હતું કે યુધિષ્ઠિરને કહો રાજસૂય યજ્ઞ કરે તે યજ્ઞ અનુસંધાને દૂત દ્વારા દ્વારકામાં શ્રીકૃષ્ણને રાજસૂય યજ્ઞનું આમંત્રણ આપવા જાય છે ત્યારે જ મગધ રાજ્યના નરેશ જરાસંઘ દ્વારા નરવૈદ્ય યજ્ઞનું આમંત્રણ આવતા શ્રીકૃષ્ણજી દ્વારા ઉદ્ધવજીનો મત લેવામાં આવ્યો હતો. ત્યારે ઉદ્ધવજી દ્વારા નિર્ણય આપવામાં આવ્યો હતો કે રાજસૂય યજ્ઞમાં રાજાઓની સાથે યુદ્ધ કરી જીતવાના હોય, જયારે નરવૈદ્ય યજ્ઞમાં જરાસંઘ દ્વારા પોતે બંદી બનાવેલા રાજાઓને મારી તેની આહુતિ આપવાનો હતો. જેથી ઉદ્ધવજી દ્વારા શ્રીકૃષ્ણજીને કહ્યું કે જરાસંઘ દ્વારા બંદી બનાવેલા રાજાઓને છોડાવી તેને જીતી યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં જાઓ.
ત્રીજા પ્રશ્નના જવાબમાં પણ મહાભારતના જ દ્રષ્ટાંતની વાત કરી હતી જેમાં દ્રૌપદી દ્વારા જયારે રાજસભામાં તેના ચીરહરણની ઘટના બની ત્યારે શ્રાપ આપવાની તૈયારી કરી ત્યારે ધુતરાષ્ટ્ર દ્વારા તેમને વરદાન માંગવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે પાંડવોના મુગુટ એટલે કે તેણે જે જુગારમાં હારી ગયા તે બધું પાછું આપવાનું વરદાન માગ્યું અને બીજા વરદાનમાં પાંડવોના પાછા આપવાનું વરદાન માંગ્યું હતું. અને હજુ ત્રીજું વરદાન માંગવાનું ધુતરાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું ત્યારે દ્રૌપદી દ્વારા વધારે વરદાન લેવાની ના પાડી હતી. એટલે કે જેટલી જરૂરિયાત હોય તેટલા વરદાન માંગવા જોઈએ.
શ્રદ્ધાંજલિ રામકથાના ત્રીજા દિવસની કથામાં આગળ ગોંડલના ભગવત ગૌ મંડળ દ્વારા ’અંજલિ’ શબ્દના અલગ અલગ અર્થ સમજાવવામાં આવ્યા હતા જેમાં અનાજનો ખોબો ભરીને આપવામાં આવેલા દાનને અંજલિ કહેવામાં આવે, એક ખોબામાં સમાય તેટલી વસ્તુને અંજલિ કહેવાય, ખોબાને પણ અંજલિ કહેવાય, જે પાત્રમાં જેટલું પાણી સમય તેને અંજલિ કહેવાય, પાત્રની મર્યાદામાં તેમાં સમાયેલા દ્રવ્યને અંજલિ કહેવામાં આવે છે, આપણા આંગણે મહેમાન આવે તેને માન આપી તેને અંજલિ કહેવાય, અર્દ્ય, શ્રાદ્ધ સરાવવું તેને પણ અંજલિ કહેવામાં આવે છે આમ ગોંડલ ભગવત ગૌ મંડળ દ્વારા અંજલિ શબ્દના અર્થ કહેવામાં આવ્યા છે.
કથા દરમિયાન પૂજ્ય મોરારિબાપુએ વ્યાસપીઠ ઉપરથી લાલબહાદુર શાસ્ત્રી અને મહાત્મા ગાંધીજીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.