સીએનજી ટેન્ક ફિટ કરી હપ્તારાજમાં ચાલતી ઇકો કારે કેટલાય પરિવારોને વિખેર્યા
મોરબી : મોરબી – રાજકોટ રૂટ ઉપર બે લગામ બનીને એસટી બસની સમાંતર ચાલતી ઇકો કાર મોતનું કોફીન બનતા આજે છ – છ લોકોના મૃત્યુ નિપજ્યા છે ત્યારે હવે હપ્તાખોર તંત્રએ જાગૃત બની મોરબી જ નહીં, રાજકોટ, અમદાવાદ, કાલાવડ સહિતના તમામ રૂટ પર દોડતા મોતના કોફીનને રોકવા જરૂરી હોવાનું લોકો ઈચ્છી રહ્યા છે.
રાજ્યના એસટી નિગમ માટે સોના જેવા મોરબી -રાજકોટ રૂટ ઉપર દરરોજ સેંકડો મુસાફરોની આવન જાવન હોવા છતાં અને આ રૂટ ઉપર એસટી તંત્રને નફો થતો હોવા છતાં વધારાના રૂટ શરૂ કરવામાં આવતા ન હોવાથી લોકોને ના છૂટકે મોતના કોફીન જેવી ઇકો અને ક્રુઝર માં મુસાફરી કરવા મજબૂર બનવુ પડે છે અને દરરોજ નાનામોટા અકસ્માતોમાં નિર્દોષ માનવ જિંદગીઓનો ભોગ લેવાય છે.
બીજી તરફ સીએનજી ઇંધણના ઉપયોગને કારણે ઇકો ચાલકો સસ્તા દરે મુસાફરી કરાવે છે તો સામાપક્ષે એસટી બસના એક્સપ્રેસ ભાડા ઇકોની તુલનાએ બમણા હોવાથી આર્થિક રીતે નબળા અને મધ્યમ પરિવારો ઇકોમાં મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે.
ચોકવનારી બાબત તો એ છે કે મોટા ભાગની ઇકો કારના ચાલકો પાસે લાયસન્સ પણ નથી હોતા ઉપરાંત કેપિસિટી કરતા વધુ મુસાફરો ભરી ઇકો કાર ચાલકો પ્રતિ કલાક ૧૦૦ થી વધુ સ્પીડે ગાડીઓ ચલાવતા હોવાથી અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
આ સંજોગોમાં મોતના કોફીન એવી ઇકો કારને હપ્તાખોર તંત્ર વહેલી તકે નાથવાનું કામ કરે તે જરૂરી હોવાનું પ્રબુદ્ધ નાગરિકો ઈચ્છી રહ્યા છે.