મેસેજ કરવા મામલે ચાર શખ્સોએ કાવતરૂ રચી તલવાર, કુહાડી, પાઇપ વડે માર મારતા એકની હાલત ગંભીર
મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખી બે મિત્રો પર ખૂની હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં છ માસ પહેલા વોટસએપમાં મેસેજ કરવા મામલે થયેલી માથાકૂટમાં કાવતરું રચી તલવાર, પાઇપ અને ધારિયા વડે તૂટી પડતાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના વિસીપરા કુલીનગર -1મા રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હુશેન આલમભાઈ સામતાણી નામના 28 વર્ષીય યુવાને એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ બે દિવસ પહેલા હુશેન અને રણછોડનગર પાસે આવેલા યમુનાનગર પાસે રહેતા તેના મિત્ર અશરફ સાઉદીન જેડા બંને પર ગેબનશાપીર દરગાહ પાસે એઝાઝ ઉર્ફે બાબુ સંધી, વિપુલ ગઢવી, સલીમ રાઉમા અને બશીર ફકીર નામના શખ્સોએ તલવાર, ધારિયા અને લોખંડના પાઇપ વડે ખૂની હુમલો કરતા અશરફ જેડાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પોલીસે પૂછપરછ કરતાં અશરફ જેડાના ભાઈ સલિમ સાથે છએક માસ પહેલા વોટસએપમાં મેસેજ કરવા મામલે એઝાઝ ઉર્ફે બાબુ અને વિપુલ ગઢવી સાથે માથાકૂટ થઇ હતી. જેમાં જે તે સમયે સમાધાન થઈ ગયું હતું.
પરંતુ બે દિવસ પહેલા હુશેન અને અશરફ મિત્રના લગ્ન માંથી આવતા હતા ત્યારે કાવતરું રચીને ઉભેલા એઝાઝ ઉર્ફે બાબુ, વિપુલ ગઢવી, સલીમ રાઉમા અને બશીર ફકીરે તલવાર જેવા ઘાતક હથિયાર વડે ખૂની હુમલો કર્યો છે. પોલીસે ઘટનાની નો ધ કરી ચાર શખ્સો સામે ખૂનની કોશિશનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.