ઝૂલતા પુલ દુર્ઘટનામાં હાઇકોર્ટ આકરા વલણ જોતા લાગે છે હવે જવાબદારોની ખેર નહિ રહે: આજે નગરપાલિકાને હાજર રહેવાનું ફરમાન
ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત અંગેની સુઓમોટો જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે ટેન્ડર બહાર પાડવામાં જોવા મળેલી ખામીઓ બદલ રાજ્ય સરકાર અને મોરબી નગરપાલિકાને સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે મોરબી નગરપાલિકાએ હોશિયારી બતાવવાની જરૂર નથી. વધુમાં આજે કોર્ટે નગરપાલિકાને હાજર રહેવાનું ફરમાન આપ્યું હોય, નગરપાલિકાનો ઘડો લાડવો થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની અધ્યક્ષતાવાળી બેંચે પૂછ્યું હતું કે, 15 જૂન, 2016ના રોજ કોન્ટ્રાક્ટરની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં નવું ટેન્ડર કેમ બહાર પાડવામાં આવ્યું નથી? ટેન્ડર વગરની વ્યક્તિ પ્રત્યે રાજ્ય દ્વારા કેટલી ઉદારતા દાખવવામાં આવી? કોર્ટે કહ્યું કે રાજ્યએ એ કારણો સમજાવવા જોઈએ કે શા માટે નાગરિક સંસ્થાના મુખ્ય અધિકારી સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સમારકામના કામો અંગે સત્તામંડળને જાણ કર્યા વિના 26 ઓક્ટોબરે ખાનગી સંસ્થાના અધિકારીઓ દ્વારા બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે પુલની ક્ષમતા કે ફિટનેસ અંગે કોઈ થર્ડ પાર્ટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી. ઓરેવા ગ્રુપ દ્વારા ફેબ્રિકેશનનું કામ દેવપ્રકાશ સોલ્યુશન્સને સોંપવામાં આવ્યું હતું. ત્રિવેદીએ કહ્યું, ’દિવાળીના કારણે 30 ઓક્ટોબરે ઘણી ભીડ હતી. સમગ્ર દિવસમાં 3,165 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
આટલો મહત્વનો કરાર માત્રને માત્ર દોઢ પાના નો?
“આટલા મહત્ત્વના કામ માટેનો કરાર માત્ર દોઢ પાનાનો કઈ રીતે હોઈ શકે? શું રાજ્ય સરકાર એટલી ઉદાર છે કે ટેન્ડર બહાર પાડ્યા વિના જ અજન્તા કંપનીને આટલી મોટી ધરોહર આપી દીધી. કયા આધારે આ પુલને એક એવી કંપની જૂન 2017 પછી ઓપરેટ કરતી હતી, જ્યારે કે (2008માં કરાયેલા કરારને) 2017 પછી રિન્યુ જ કરાયો નહોતો,” એવી પણ હાઈકોર્ટે નોંધ લીધી હતી.
કોઈ પણ જવાબદારી નક્કી ન થાય એવુ એગ્રીમેન્ટ શા માટે તૈયાર કરાયું?
હાઈકોર્ટે સરકારને કહ્યું કે, ઝુલતો પુલ તુટવાની દૂર્ઘટનામાં જવાબદાર કોણ તેનો સરકાર સ્પષ્ટ જવાબ આપે. ચીફ ચીફ ઓફિસર સામે શું પગલાં લીધા તેનો પણ સરકાર જવાબ આપે. હાઈકોર્ટે એમ પણ પૂછ્યું કે, કોઈ પણ જવાબદારી નક્કી ન થાય એવુ એગ્રીમેન્ટ શા માટે તૈયાર કરાયું? અજંતા ગ્રુપ ઉપર આટલી બધી ઉદારતા શા માટે દાખવાઈ તેનો પણ સરકાર જવાબ આપે. દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર તેમજ પરિવારજનોને રહેમ રાહે નોકરી માટે સરકાર શું કરી રહી છે તેનો પણ સરકાર જવાબ આપે.
હજુ સુધી કેમ મોરબી પાલિકાને સુપરસીડ કરી નથી?: હાઇકોર્ટનો સરકારને સવાલ
હાઇકોર્ટે સરકાર અને પાલિકા સામે સવાલોનો મારો ચલાવ્યો હતો. જેમાં હાઇકોર્ટે પૂછ્યું હતું કે 2016ના રોજ કોન્ટ્રાક્ટરની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં નવું ટેન્ડર કેમ બહાર પાડવામાં આવ્યું નહિ ?, સરકારે અજંતા પ્રત્યે કેટલી ઉદારતા દાખવી ? આ ઉપરાંત હજુ સુધી કેમ નગરપાલિકાને સુપરસિડ કરવામાં આવી નથી. સુપ્રિમના પેચિદા સવાલોથી સરકારની આબરૂ ધૂળધાણી થઈ છે.
આગામી સુનાવણી 24 નવેમ્બરે થશે
હવે હાઈકોર્ટમાં આ મામલે આગામી સુનાવણી 24 નવેમ્બરે થશે. ખંડપીઠે પૂછ્યું હતું કે પ્રથમ કરાર સમાપ્ત થયા પછી કોન્ટ્રાક્ટરને ત્રણ વર્ષ સુધી બ્રિજ ચલાવવાની મંજૂરી કયા આધારે આપવામાં આવી? કોર્ટે કહ્યું કે બે અઠવાડિયા પછી યોજાનારી આગામી સુનાવણી દરમિયાન આ પ્રશ્નોના જવાબ એફિડેવિટમાં આપવા જોઈએ.