- ભરતી માટે રીજીયોનલમાં માંગણી: છેલ્લે વર્ષ 1991માં 66 કર્મચારીની ભરતી કરવામાં આવી હતી
- હાલ પાલિકામાં ‘આયારામ ગયારામ’ની સ્થિતિ વચ્ચે ચાલતી કામગીરી
મોરબી નગરપાલિકામાં કુલ 678 કર્મચારીઓમાં માત્ર 107 કર્મીઓ કાયમી છે, બાકીના 571 હંગામી ધોરણે કે કરતા કર્મચારીઓ છે. જયારે 300 જેટલી હાલ સ્ટાફની જગ્યા ખાલી છે. જેમાં સમગ્ર નગરપાલિકાના વહીવટી અધિકારી તરીકે ચીફ ઓફિસરને ગણવામાં આવે છે જે જગ્યા પણ ખાલી છે. હાલ ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ચીફ ઓફિસરની કાયમી ભરતીમાં આયારામ ગયારામની સ્થિતીનું નિર્માણ થતું હોવાનું વર્ષ 2022થી ચાલુ છે. હાલમાં હળવદ પ્રાંત અધિકારીને મોરબી નગરપાલિકા ઇન્ચાર્જ ચીફઓફિસર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવેલ છે. જેના પરિણામ સ્વરૂપે હાલ મોરબી શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર બ્લોક, ગટરના દુર્ગંધયુક્ત પાણી જાહેર રોડ રસ્તા તેનાજ શેરી વિસ્તારમાં ફરી વળ્યાં છે, તેમાં ચારે બાજુ કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે.
મોરબી નગરપાલિકાને હાલ મહાનગર પાલિકાનો દરજ્જો મળી ચુક્યો છે. ત્યારે હજુ 3 થી 4 મહિના બાદ નવા મહેકમ સાથે કર્મચારીઓની ભરતી થશે, પરંતુ તે પહેલા મોરબી શહેરનો દિવસેને દિવસે વ્યાપ વધતો જઈ રહ્યો છે મોરબીમાં રોજગારીને લક્ષ્યમાં લેતા જોઈએ તો સીરામીક ફેક્ટરીઓને કારણે મોરબીમાં રોજગારલક્ષી વ્યાપ વધતા વાહન વ્યહાર તથા વસ્તીનો વધારો થવાને કારણે શહેરોમાં વસ્તીની ગીચતા વધવા પામી છે જેની સામે નગરપાલિકામાં કાયમી કર્મચારીઓની ઉણપને કારણે સુદ્રઢ સંચાલનનો અભાવ સમગ્ર શહેરમાં વર્તાઈ રહ્યો છે. હાલ મોરબી નગરપાલિકામાં કુલ 407 મહેકમ કર્મચારીની સામે 107 કાયમી કર્મચારીઓ છે. બાકીના 571 હંગામી કર્મચારીઓ છે જેમાં કોન્ટ્રાક્ટ બેઝમાં કુલ 179, સફાઈ વિભાગમાં 339 તથા ગેરેઝ વિભાગમાં 53 કર્મીઓ છે. જેની સામે 300 જગ્યા ઉપર કાયમી સ્ટાફની જગ્યા ખાલી છે જેમાં ભરતી ચાલુ કરવાની સરકારમાંથી મંજૂરી આવી ન હોવાનું જણાય આવ્યું છે. ત્યારે રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી સૌરાષ્ટઝોન રાજકોટમાં ખાલી જગ્યા ઉપર ભરતી કરવા માટે માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હોવાનું મોરબીના ’અબતક પ્રતિનિધિને મોરબી પાલિકાના જવાબદાર અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. વધુમાં છેલ્લે વર્ષ 1991 માં મોરબી નગરપાલિકામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં 66 જેટલા કર્મચારીઓની ભરતી કરાઈ હતી.
મોરબી નગરપાલિકામાં આગળ અલગ વિભાગમાં કેટલા કાયમી કર્મચારીઓ અને તે વિભાગમાં કેટલી જગ્યા ખાલી છે તેની ચોક્કસ આંકડાકીય માહિતી પ્રમાણે પાલિકામાં વર્ગ-1 માં જોઈએ તો પાલિકાનો સંપૂર્ણ વહીવટી જવાબદાર અધિકારી એટલે કે ચીફ ઓફિસર હોય છે ત્યારે મોરબી પાલિકામાં તે જગ્યા ખાલી છે હાલ ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે હળવદ પ્રાંત અધિકારી ધોલેરીયાસાહેબને ચાર્જ સોંપવામાં આવેલ છે, જયારે વર્ગ-2 માં 3 જગ્યા મંજુર કરાઈ છે જેમાં ત્રણેય જગ્યા ખાલી છે. તેવી જ રીતે વર્ગ-3 માં મંજુર થયેલ 88 જગ્યા સામે માત્ર 20 કર્મીઓની ભરતી કરાઈ છે અને 68 જગ્યા ખાલી છે. જયારે વર્ગ-4માં સફાઈ કામદારો સિવાય 123 જગ્યાને મંજૂરી આપી છે જેમાં પણ માત્ર 38 ભરાયેલ છે બાકીની 85 જગ્યામાં સ્ટાફની ભરતી કરવાની બાકી છે. સફાઈ કામદારોની 192 જગ્યા પાસ થઇ છે જેમાં 49કામદારોની ભરતી કરવામાં આવી છે સામે 143 જેટલી જગ્યા ખાલી છે. ફાયર વિભાગની વાત કરીયે તો તેમાં કુલ 21 જગ્યાની મંજૂરી સામે 16 જગ્યામાં સ્ટાફની ભરતી કરવામાં આવી છે જયારે પાંચ જગ્યા ખાલી છે. ત્યારે ખાલી રહેલ મહેકમની જગ્યા માટે રીજીયોનલ કમિશનરમાં ભરતી કરવા માટે માંગણી કરી રજૂઆત કરી છે તે માટે ક્યારે મંજૂરી મળે તે આવનારા સમયમાં જોવાનું રહ્યું.અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના વર્ષ 2022ની 30 ઓક્ટોબરના રોજ બનવા પામી હતી, જે બનાવ બાબતે સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ગયો હતો ત્યારે ઉચ્ચ ન્યાયાલયના આકરા વલણ તથા કડક કાર્યવાહીના આદેશ બાદ ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જે તા. 11 એપ્રિલ 2023માં મોરબી નગરપાલિકાના 13 વોર્ડમાં કુલ 52 સભ્યોને ગેરલાયક ઠેરવી પાલિકાને સુપરસીડ કરાઈ હતી. ત્યારથી મોરબી નગરપાલિકામાં વહીવટદાર શાશન લાગુ પડી જતા મોરબી શહેરની અધોગતિ શરુ થઇ છે, મોરબી શહેરને પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ મોરબી નગરપાલિકામાં કામના ભારણને પહોંચી વળવા તથા શહેરમાં સુદ્રઢ સંચાલન માટે ખાલી જગ્યાઓ ઉપર જવાબદાર અધિકારી તથા પૂરતો સ્ટાફ તાકીદે ભરવા મોરબી વાસીઓની લાગણી અને માંગણી છે.