રહેણાંક સોસાયટીઓના કામમાં ૭૦ ટકા સરકાર અને ૧૦ ટકા ખર્ચ પાલિકા ભોગવશે : ૧૫ દિવસમાં અરજી કરવાની રહેશે
મોરબી નગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં લોકભાગીદારીથી વિકાસ કામો હાથ ધરવામાં આવશે. જેમાં ૭૦ ટકા ગ્રાન્ટ સરકાર ચૂકવશે જ્યારે ૧૦ ટકા પાલિકાએ અને ૨૦ ટકા સોસાયટીએ ચુકવવાના થશે.
મોરબી પલિકા પ્રમુખ ગીતાબેન કણઝારીયા અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું કે મોરબી શહેર હદમાં નવી રહેણાંક સોસાયટી વિસ્તારમાં નવેસરથી લાઈટ, ગટર, રસ્તાની સુવિધા આપવા માટે સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા જન ભાગીદારી પ્રોજેકટ હેઠળ વિકાસ કામો માટે ૭૦ ટકા ગ્રાન્ટ સરકાર તરફથી મળવા પાત્ર છે. આ પ્રોજેકટ કોસ્ટના ૨૦ ટકા રકમ લાભ લેનાર સોસાયટીના લોકોને ભરવાની હોય છે. જ્યારે બાકી ૧૦ ટકાનો ફાળો પાલિકા ઉમેરશે.
જન ભાગીદારીથી વિકાસ કામો કરવાના આ પ્રોજેકટમાં બાકી રહી ગયા હોય તેવા લોકોએ ૧૫ દિવસમાં અરજી કરવાની રહેશે. શહેરીજનો ૨૦૧૧ના ઠરાવ મુજબ મંજૂરી ભોગવે તો સીસી રોડમાં રેતી, કપચી, સિમેન્ટ જેવા મટિરિયલ્સ પાલિકા પુરા પાડશે અને પેવર બ્લોકનો રસ્તો બનાવવો હોય તો પેવર બ્લોક આપશે. જ્યારે અન્ય તમામ ખર્ચ જે તે સોસાયટીએ ભોગવવાનો રહેશે.